પોરબંદરમાં સ્વિમિંગ કોમ્પિટિશન, તરવૈયાઓ દરિયામાં 5થી 10 કિ.મી તરીને પોતાનું કૌશલ્ય દાખવશે
પોરબંદર: દેશના યુવાઓમાં સાહસ અને શોર્યનો સંચાર કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્ર તરણ સ્પર્ધાનો પ્રારંભ શનિવારથી કરાયો છે. બે દિવસીય સ્પર્ધામાં દેશભરના 900થી વધુ સ્પર્ધકોએ પોતાનુ તરણ કૌશલ્ય દાખવી રહ્યા છે. જેમાં પેરા સ્વીમર એટલે કે દિવ્યાંગ સ્પર્ધકોએ પણ દરિયા સાથે બાથ ભીડી પોતાના મજબૂત મનોબળનો પરિચય આપી રહ્યા છે.
પોરબંદરના શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમુદ્ર તરણ સ્પર્ધાનુ આયોજન કરાયું છે. છેલ્લા 23 વર્ષથી યોજાઈ રહેલી આ સમુદ્ર તરણ સ્પર્ધાને સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાની પણ માન્યતા મળી હોવાથી ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ દિલ્હી ખાતેથી ફેડરેશનની ટીમ પોરબંદરમાં યોજાયેલી આ તરણ સ્પર્ધાને ઈન્ટરનેશલ નિયમો મુજબ જજ કરી રહી છે. દેશભરમાંથી 900થી વધુ સ્પર્ધકોએ આ તરણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. પ્રથમ દિવસે નેશનલ લેવલની 10 કિલોમીટર તેમજ પેરા સ્વીમરો માટે 5 કિલોમીટરની સ્પર્ધા યોજાઈ હતી. આ તરણ સ્પર્ધા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય નેવી તેમજ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ તેમજ 108 બોટ સહિત સ્થાનિક માછીમારો દ્વારા સતત રેસ્ક્યુ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશભરમાંથી આટલી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ આ સમુદ્ર તરણ સ્પર્ઘામા ભાગ લીધો હોવાથી આ સ્પર્ધાના આયોજકોમાં પણ ખુશી જોવા મળી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, શારીરીક રીત સ્વસ્થ અને સજ્જ તાલીમ લીધેલા તરવૈયાઓ પણ સ્વિમિંગ પુલને બદલે જ્યારે સમુદ્રમા તરે છે, ત્યારે થોડે અંશે તેઓમાં ડર રહેતો હોય છે. ત્યારે પોરબંદરમાં શારિરીક રીતે સજ્જ લોકોએ તો પોતાનુ કૌવત બતાવ્યું જ હતું. પરંતુ એવા લોકોએ પણ સમુદ્ર સાથે બાથ ભીડી હતી. જેઓ શારિરિક રીતે ડીસેબલ એટલે કે દિવ્યાંગ છે. આમ છતા તેઓએ દરિયાના તોફાની મોઝાનો સામનો કરીને 5 કિલોમીટર સુધી દરિયાને ચીરીને તેમની અંદરની હિમંત અને મનોબળ કેટલુ મજબુત છે, તેનો પરીચય આપ્યો હતો.
પોરબંદરમા આયોજીત આ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય સહિત દેશના 13 અલગ અલગ રાજ્યોમાંથી સ્પર્ધાકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ સ્પર્ધકોએ આયોજનને બિરદાવ્યું હતું અને સૌ કોઈ સ્પર્ધકોએ દરિયાને ચીરી પોતાના મજબુત મનોબળનો પરિચય આપ્યો હતો.