અમદાવાદમાં સ્વાઈન ફ્લુએ માથુ ઉચક્યું : 5 મહિનામાં 1100થી વધારે કેસ નોંધાયાં
અમદાવાદઃ ગુજરાતમાંથી કોરોના હજુ સંપૂર્ણ પણે ગયો નથી, રાજ્યમાં હજુ પણ કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન બીજી તરફ જીવલેણ માનાતા સ્વાઈનફ્લૂએ પણ ફરીથી માથુ ઉચક્યું છે. પાંચ મહિનામાં 1100થી વધારે કેસ સામે આવ્યાં છે. સ્વાઈન ફ્લૂના કેસ વધતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં ફરી એકવાર સ્વાઈન ફ્લૂના કેસ વધી રહ્યાં છે. પાંચ મહિનાના સમયગાળામાં 1121 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં છે. જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 114 વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસ વધતા હરકતમાં આવેલા આરોગ્ય વિભાગે અન્ય પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગમાં વધારો કર્યો છે.
અમદાવાદમાં ચોમાસાની વિદાય બાદ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. દરમિયાન ઓક્ટોબર સુધીમાં લગભગ 1972 જેટલા કેસ નોંધાયાં છે. મનપા દ્વારા શહેરમાં રોગચાળો વકરતો અટકાવવા માટે કવાયત તેજ કરવામાં આવી છે.