સૈયદ આસીમ મુનીર:પુલવામા સમયે ISI ચીફ રહી ચૂકેલા, હવે PAK આર્મી ચીફ બનશે; જાણો તેમની સાથે જોડાયેલી 5 રસપ્રદ વાતો
નવી દિલ્હી: પાકિસ્તાનમાં આજે નવા આર્મી ચીફના નામનું એલાન કરવામાં આવ્યું. લે. જનરલ આસિમ મુનીરને પાકિસ્તાનના નવા આર્મી ચીફ બનાવવામાં આવશે.આસિમ મુનીર, જનરલ કમર જાવેદ બાજવાનું સ્થાન લેશે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આસિમ મુનીરને આ પદ માટે પસંદ કર્યા છે. પાકિસ્પાતાનના સૂચના અને પ્રસારણ મંત્રી મારિયા ઔરંગઝેબે તેમના નામની ઘોષણા કરી છે. તેમના નામને હવે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોક્લ્વામાંવશે, જે માત્ર એક ઔપચારિકતા હશે.
જનરલ મુનીર પાકિસ્તાનની સેનાના એક વરિષ્ઠ અધિકારી છે. મુનીરને ઓક્ટોબર 2018માં ઈન્ટેલિજન્સ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મુનીરને જનરલ બાજવાના ખાસ અધિકારી માનવામાં આવે છે.
ચાલો જાણીએ, પાકિસ્તાનના નવા આર્મી ચીફ સાથે જોડાયેલી 5 મહત્વની વાતો:
1- લે. જનરલ આસિમ મુનીર પાકિસ્તાનના 17મા આર્મી ચીફ બનશે.એક અહેવાલ અનુસાર, લેફ્ટનન્ટ જનરલ મુનીર હાલમાં જનરલ હેડક્વાર્ટર (GHQ)માં ક્વાર્ટર માસ્ટર જનરલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તે હાલમાં તમામ સૈન્ય એકમો માટે પુરવઠાની દેખરેખ રાખે છે.
2- લેફ્ટનન્ટ જનરલ આસિમ મુનીર અગાઉ કોર કમાન્ડર ગુજરાંવાલા તરીકે ફરજ બજાવતા હતા અને તેમણે પાકિસ્તાનની બે સૌથી પ્રભાવશાળી ગુપ્તચર એજન્સીઓ – ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI) અને મિલિટરી ઇન્ટેલિજન્સનું નેતૃત્વ કરેલું છે. જો કે, આઈએસઆઈ ચીફ તરીકે લેફ્ટનન્ટ જનરલ મુનીરનો કાર્યકાળ માત્ર આઠ મહિનાનો હતો, જે અત્યાર સુધીનો સૌથી ઓછો હતો. વર્ષ 2019માં તેમને તત્કાલીન વડાપ્રધાન ઈમરાન ખાને પદ પરથી હટાવ્યા હતા.
3- આર્મી ચીફના આ શક્તિશાળી પદ પર તેમની નિમણૂક એવા સમયે થઈ છે, જ્યારે ઈમરાન ખાન અને આઈએસઆઈ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યાની વાત સામે આવી છે. તેઓ જનરલ કમર જાવેદ બાજવાનું સ્થાન લેશે, જેમનો પાકિસ્તાન આર્મી ચીફ તરીકેનો છ વર્ષનો કાર્યકાળ 29 નવેમ્બરે સમાપ્ત થશે.
4- લેફ્ટનન્ટ જનરલ મુનીરને ‘સ્વોર્ડ ઓફ ઓનર’થી સન્માનિત થયેલા છે. સૂત્રો અનુસાર, તેમને માર્ચ 2018માં હિલાલ-એ-ઈમ્તિયાઝથી પણ નવાજવામાં આવ્યા હતા.
5- લેફ્ટનન્ટ જનરલ મુનીર મંગલામાં ઓફિસર્સ ટ્રેનિંગ સ્કૂલ (OTS)માંથી સ્નાતક થયા છે અને ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટની 23મી બટાલિયનમાં તેઓ નિયુક્ત થયા હતા.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેના પ્રમુખ પર આખી દુનિયાની નજરો મંડાયેલી હોય છે. હવે આ નિયુક્તિ પછી દુનિયાના અને પાકિસ્તાનના રાજકારણમાં શું ચક્રો ગતિમાન થશે, તે જોવાનું રહે છે.
(ફોટો: ફાઈલ)