સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનમાં લક્ષણો બદલાયાં, દર્દીઓને પેટમાં દુઃખાવાના લક્ષણો જોવા મળ્યાં ?
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. નવા સ્ટ્રેનના લક્ષણો ઈનવિઝિબલ હોવાનો પાલિકાએ દાવો કર્યો છે. આ સ્ટ્રેનમાં માથુ દુઃખાવુ, ખાંસી સહિતના લક્ષણો જોવા મળતા નથી. જો કે, કોરોનાના આ સ્ટ્રેનમાં કેટલાક કિસ્સામાં તાવના લક્ષણો જોવા મળ્યાં છે. જ્યારે સૌથી વધારે પેટમાં દુઃખાવાના લક્ષણો જોવા મળ્યાં હોવાનું જાણવા મળે છે. એટલે કે સુરતમાં નવા પોઝિટિવ કેસમાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા નહીં મળતા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં 24 કલાકમાં કોરોનાના 349 અને જિલ્લામાં 101 મળીને 450 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. શહેરના અઠવા, રાંદેર, લિંબાયત સહિતના વિસ્તારોમાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. બીજી તરફ તંત્ર દ્વારા કોરોના રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મનપા તંત્ર દ્વારા કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સર્વે અને ટેસ્ટીંગની કામગીરી પણ તેજ બનાવવામાં આવી છે. નવા સ્ટ્રેનના લક્ષણો ઇનવિઝિબલ હોવાનો પાલિકાનો દાવો છે. આ સ્ટ્રેનમાં માથું દુ:ખવું, ખાંસી આવવી સહિતના કોઇપણ લક્ષણો દેખાતા નથી. પરંતુ કેટલાક કિસ્સામાં સામાન્ય તાવની ફરિયાદો મળે છે. જ્યારે મહત્તમ કિસ્સામાં પેટમાં દુ:ખાવો થાય છે. અગાઉ સામાન્ય કોરોનામાં પેટમાં દુ:ખાવો એ લક્ષણમાં ન હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ સિટી બસ સેવા અને બીઆરટીએસ સેવાઓ બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત બે દિવસ તમામ ટેક્સ્ટાઈલ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત હિરાના કારખાનાઓ પણ બંધ રાખવામાં આવશે.