સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડમાં સિન્ડિકેટે રજિસ્ટ્રારને આપી ક્લીનચીટ, કોન્ટ્રાક્ટરને દોષિત ગણાવાયા
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે આજે મળેલી સિન્ડીકેટની બેઠકમાં બહુચર્ચિત માટી કૌભાંડમાં તપાસ સમિતિ તરફથી રજિસ્ટ્રાર જતીન સોનીને ક્લીન ચીટ આપવામાં આવી છે અને દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર અને એક કર્મચારી પર ઢોળવામાં આવ્યો છે. હાલ તપાસ સમિતિએ સિન્ડિકેટની બેઠકમાં રિપોર્ટ સુપ્રત કર્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની સિન્ડીકેટની બેઠકનો જે એજન્ડા જાહેર કરવામાં આવ્યો છે તેમાં સરદારનગરમાં આવેલી ઓમ કોલેજ ઓફ કોમ્પ્યુટર લાયન્સને કુવાડવા રોડ ઉપર ફેરવવાની જે દરખાસ્ત કરવામાં આવી છે તે અગાઉ સિન્ડીકેટની બેઠકમાં મુલત્વી રાખવામાં આવી હતી. એ સમયે આ કોલેજ સામે કુલનાયક ડો.દેસાણીનું અંગત હિત જોડાયેલુ હોવાની ફરિયાદો ઉઠી હતી. આંતરીક ખટપટને લીધે ફરીથી આ મુદ્દો એજન્ડામાં જાહેર થતા સિન્ડીકેટની બેઠકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ ઉપરાંત યુનિ.માં નેકની કમીટીના આગમન સમયે માટીના ફેરા કરવાના કૌભાંડમાં તત્કાલીન રજીસ્ટાર જતીન સોનીને હટાવવા પછી તપાસ અહેવાલ સિન્ડીકેટની બેઠકમાં રજુ કરાઈ હતી. જેમાં પોલીસ ફરિયાદ સહિતના મુદ્દે જે ભલામણો કરવામાં આવી છે તે મુદ્દે બેઠકમાં સભ્યોનો આક્રમક મિજાજ જોવા મળ્યો હતો. એ જ રીતે વર્ષ 2018 માં હોમિયોપેથીમાં જે પ્રવેશ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તેમાં પોલીસ ફરિયાદ સહિતનાં પગલાં લેવામાં આવ્યા પછી જવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવામાં યુનિ. નિષ્ફળ ગઈ હોવાથી આ કૌભાંડનો મુદો પણ ચર્ચાસ્પદ બનશે. એ જ રીતે અંગ્રેજી ભવનના જે અધ્યાપકોએ પીએચડીની પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિ અને અનિયમિતતા આચરી છે તેમની પેપર સેટર તરીકેની કામગીરી ઉપર મુકવામાં આવેલા પ્રતિબંધ અંગે ચર્ચા વિચારણાં થઈ હતી. તદઉપરાંત કરાર આધારિત અધ્યાપકોની નિમણુંકનું મહેનતાણું રૂ.25 હજારથી વધારીને રૂ.40,176 કરવા અંગે વિચારણાં થશે. યુનિ. સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેકસમાં ટેનીસ કોર્ટ ભાડે આપવાની દરખાસ્ત અંગે પણ સિન્ડીકેટની બેઠકમાં ચર્ચા વિચારણાં થઈ હતી.