Site icon Revoi.in

બિપોરજોય વાવાઝોડા સામે તંત્ર બન્યું એલર્ટ, ભૂજમાં દીવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત

Social Share

અમદાવાદ: ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કાંઠાના વિસ્તારો તેમજ જિલ્લાઓમાં સંભવિત બિપોરજોય વાવાઝોડાનું સંકટ વધ્યું છે. અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલું બિપરજોય વાવાઝોડું કચ્છના માંડવી- જખૌના સાગરકાંઠા તરફ આગળ ધસી રહ્યું છે અને તે પ્રચંડ વાવાઝોડાંમાં ફેરવાયું છે. ગુજરાત સરકારે સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. સોમવારે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈ લઈને ઉચ્ચસ્તરિય બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી.

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની શકે છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 310 કિલોમીટર, જ્યારે દ્વારકાથી 340 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત નલિયાથી 430 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ઓખાના દરિયામાં હાલ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, તેની વચ્ચે કોસ્ટગાર્ડના જવાનો દ્વારા ખાનગી કંપનીની ઓઈલ રિંગ પર ફસાયેલા કર્મચારીઓનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 11 કર્મચારીઓને એરલિફ્ટ કરી લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.  ભુજના લખુરાઈ ચાર રસ્તા પાસે દીવાલ ધરાશાયી થતા બે બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યકિત ઈજાગ્રસ્ત બની છે.

સમુદ્રી ડ્રેગન’માં પરિવર્તિત થઇ ચૂકયું છે. 15મી જૂનના રોજ કચ્છના દરિયા કાંઠાને પ્રતિકલાકના 150 કીમીની ઝડપે ટકરાવની સંભાવના છે. બીજી બાજુ રેલવે તંત્ર દ્વ્રારા કચ્છથી ઉપડતી મોટા ભાગની ટ્રેન 15મી સુધી રદ કરી છે. જ્યારે સૌરાષ્ટ્રની મોટા ભાગની ટ્રેનને સ્થગિત કે ડાયવર્ઝન કરવાનો રેલવે તંત્રએ નિર્ણય કર્યો છે. કચ્છમાં દરિયાઇ પટ્ટીના લોકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. દરિયા પટ્ટીના વિસ્તારોમાંથી અંદાજે 3000 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમજ હજુ પણ મંગળવારે  મોટા પાયે સ્થળાંતરી કામગીરી ચાલુ રાખવામાં આવશે. વાવાઝોડાની અસર રૂપે તોફાની પવન સાથે ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ મોડી સાંજથી જ શરૂ થયો હતો.  બિપોરજોય વાવાઝોડું ગુજરાતના પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમે માત્ર 420 કિલોમીટર, દ્વારકાથી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમે 340 કિલોમીટર દૂર, કચ્છના નલિયાથી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ તરફ 430 કિલોમીટર જેટલું દૂર છે.

હવામાન ખાતા તરફથી આગામી 14મી તારીખે ઓરેન્જ એલર્ટ, જયારે 15મી તારીખે રેડ એલર્ટ આપવામાં આવી છે. મહાબંદર કંડલા સહિત તમામ બંદરો પર ભયસૂચક સંકેત નંબર 10 લગાડી દેવામાં આવ્યું છે અને મંગળવારથી ત્રણ દિવસ માટે શાળા-કોલેજોમાં રજા આપી દેવાઈ છે. આ વાવાઝોડાની અસર હેઠળ રાજ્યના બાર જિલ્લાઓમાં વરસાદ પડશે જે પૈકી કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

વાવાઝોડા દરમ્યાન પવનની ઝડપ પ્રતિ કલાકે 125 કિલોમીટરથી લઈને 150 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. બિપોરજોય ચક્રવાત કચ્છના સાગરકાંઠે ટકરાયા બાદ છ કલાકમાં નબળું પડશે જેને કારણે રાજસ્થાનના ભાગોમાં પણ તેની અસર વર્તાશે. આ વાવાઝોડાં પર ‘યુરોપિયન સેન્ટર ફોર મીડીયમ રેન્જ વેધર ફોરકાસ્ટ’ અને અમેરિકાની સંરક્ષણ એજન્સી તેમજ સંયુક્ત ટાઈફૂન વોર્નિગ સેન્ટર દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે. કંડલા બંદર પર હેન્ડલીંગની કામગીરી બંધ રાખીને જહાજોને સલામત સ્થળે લઇ જવામાં આવ્યાં છે.

દરમિયાન કચ્છ તરફ ધસી રહેલાં ચક્રવાતને લઈને દેશના પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા ખાતે લોકોનું સ્થળાન્તર શરૂ કરી દેવાયું છે. કંડલા પોર્ટના જનસંપર્ક અધિકારી ઓમ પ્રકાશ દાદલાણીના જણાવ્યા પ્રમાણે, દરિયાની નજીક નિંચાણવાળા વિસ્તારોમાં રહેતા પરિવારોને સલામત સ્થળે ખસેડાયા છે અને આ તમામને ગોપાલપુરી ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી સંકુલ ખાતે રખાયા છે અને તેમના માટે ચા-પાણી, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા દિન દયાળ પોર્ટ ઓથોરિટી તરફથી કરવામાં આવી છે. આ ભયાનક વાવાઝોડાની આગોતરી અસર હવે કચ્છના સંખ્યાબંધ વિસ્તારોમાં વર્તાઈ રહી છે. પવનોની ગતિમાં ક્રમશ વધારો થઇ રહ્યો છે અને આકાશ વાદળછાયું બની જવા પામ્યું છે.

અરબ મહાસાગર તરફથી આવી રહેલાં ક્યૂમ્બોલિમબ્સ વાદળોએ કચ્છના આકાશનો કબ્જો જમાવી લીધો છે. ભુજ અને માંડવી સહિતના સંખ્યાબંધ વિસ્તારોમાં વરસાદી ફોરાં પડી રહ્યાં છે.  બંદરીય માંડવી શહેર ખાતે તેમજ માંડવીના દરિયાકાંઠા વિસ્તારની આસપાસના ૧૯ જેટલા ગામોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મંગળવાર સુધી શરૂ કરાશે અને પ્રવર્તમાન વાવાઝોડાની પરિસ્થિતિમાં વિવિધ રાહતકામો પર નજર રાખવા મુંદરાના પ્રાંત અધિકારીને ખાસ માંડવી ડેપ્યુટ કરાયા છે.  બિપોરજોયની અસર હેઠળ માંડવી અને તેની આસપાસના વિસ્તારોમાં હળવાં વરસાદી છાંટણા શરૂ થયાં હતા.

બીજી બાજુ રાજ્યના રાહત કમિશનર પાંડેએ જણાવ્યું હતું કે,  નાગરિકોની સલામતી માટે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં જ્યારે 60 કિ.મી. પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન શરૂ થશે ત્યારે વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. વધુમાં કચ્છ જિલ્લામાં સંભવિત માંડવીથી જખૌ વચ્ચેનો વિસ્તાર જ્યાં વાવાઝોડુ જમીન સાથે ટકરાશે તેવા કિનારાથી ૦ થી ૫ કિ.મી.માં આવતાં સૌથી વધુ પ્રભાવિત તમામ ગામોના લોકોને સલામત સ્થળે લઇ જવાની કામગીરી સોમવારથી જ શરૂ કરવામાં આવી છે. હવામાન વિભાગની વાવાઝોડા અંગેની આગોતરી જાણ બાદ માછીમારો સલામત રીતે પરત ફર્યા છે જ્યારે દરિયાકિનારે તમામ 24000 બોટ સલામત સ્થળે પાર્ક કરવામાં આવી છે. બચાવ કાર્ય માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ સહાય તાત્કાલિક પૂરી પાડવા રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે.