ભૂજઃ એક સમયે કચ્છનો વેરાન ગણાતો વિસ્તાર આજે નર્મદાના પાણીને લીધે નંદનવન બનતો જાય છે. નર્મદાની મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલો અને પેટા કેનાલો દ્વારા ખેડુતોને સિંચાઈનું પાણી આપવામાં આવે છે. તેના લીધે કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે, ત્યારે કેનાલ દ્વારા સિંચાઈનું પાણી મેળવવા માગતા ખેડુતોએ નિયમ મુજબ માગણા પત્રક ભરી સમયસર પહોંચાડવા નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે.
કચ્છમાં ખરીફ સીઝન પૂર્ણ થયા બાદ રવિ સીઝન એટલે કે ઓક્ટોબર અને નવેમ્બરમાં લેવાતા પાક માટે સિંચાઈનું પાણી મેળવવા ખેડૂતોને માગણા પત્રક ભરી સમયસર પહોંચાડવા નર્મદા નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ અંગે કાર્યપાલક ઇજનેરએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ તેમની બધી જ વિગતો ફોર્મમાં ભરીને કચેરીએ પહોંચાડવાની હોય છે. જેમાં પિયત માટેની જમીનનો વિસ્તાર, જરૂરી પાણી, રવિ સિઝન દરમિયાન લેવામાં આવતો પાક વગેરે વિગતો ભરીને કચેરીએ આપતા નિગમ દ્વારા કેનાલમાં છોડાતું પાણી સમયાંતરે વિતરણ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી શકાય. આ માટે કિસાનોના વિવિધ સંગઠનો દ્વારા ખેડૂતોને મેસેજ કરી માહિતી આપવામાં આવી છે. ખેડૂતોની આર્થિક ઉન્નતિ થાય તે માટે સારા ઉદ્દેશ સાથે વહેતા થયેલા મેસેજ મુજબ જેટલા માંગણા પત્રકો વધારે ભરાશે તેટલું મુન્દ્રા અને માંડવીના ખેડૂતોનું મહત્વ વધશે અને નર્મદા નિગમના અધિકારીઓ વધુ સહકાર આપશે.
સૂત્રોના કહેવા મુજબ નિગમના ડાયરેક્ટર કચ્છમાં ચાલતા વિવિધ કામોની મુલાકાતે આવ્યા હતા ત્યારે કરવામાં આવેલી રજૂઆત મુજબ કચ્છ જિલ્લામાં બધીજ પેટા કેનાલ અને પાઇપ વહેલી તકે કચ્છના ઇજનેરો અને કોન્ટ્રાકટરો કાર્યરત કરાવે તેવી સૂચના આપવા ભલામણ કરી હતી. નોન કમાંડના ખેડૂતોના માંગણા પત્રકો ચાંગ ડેમની સહકારી સિંચાઇ પિયત મંડળી મારફતે ઉઘરાવવામાં આવશે નોન કમાંડના ખેડુતોને પણ નર્મદાના અધિકારીઓ માંગણા પત્રકો પહોંચાડે અને આ ફોર્મ ભરી મંડળીના કોઈ પ્રતિનિધિ મારફતે મેળવી લેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.