ગાંધીનગરઃ અરબ સાગરમાં સર્જાયેલુ ‘બિપરજોય’ વાવાઝોડુ હવે અતિપ્રચંડ બની રહ્યું છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું જખૌથી 260 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 270 તેમજ પોરબંદરથી 350 કિલોમીટર, અને નલિયાથી 300 કિલોમીટર દૂર છે. ગુજરાતમાં આગામી 36 કલાક અતિભારે હોવાનું કહેવાય છે, ‘બિપરજોય’ વાવાઝોડું ગુરૂવારે સાંજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે
બિપોર જોય વાવાઝોડું બુધવારે બપોરની સ્થિતિએ કચ્છના દરિયાકાંઠાથી 260 કિમી દેવભૂમિ દ્વારકાથી 280 કિ.મી. વેસ્ટ સાઉથમાં દૂર હતું અને કાલે તા. 15મી જૂને સાંજે 4 કલાક બાદ કચ્છના જખૌ આસપાસ વાવાઝોડું ટકરાવાની સંભાવના છે. સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જિલ્લાઓમાં 50 હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમજ સ્થાળંતરની કામગીરી હજુ પણ ચાલુ રાખવામાં આવી છે. વીજ પૂરવઠો ત્વરાએ પૂર્વવત કરવા સજ્જ કરવા હાલ 597 ટીમ તૈયાર રખાઇ છે. પ્રભાવિત જિલ્લાઓમાં વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇ ચાર હજારથી વધુ હોર્ડિંગ્સ દૂર કરાયા છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવનાઓ સામે સંબંધિત જિલ્લા તંત્રને પૂર્વ તૈયારીઓ કરી લેવા દિશાનિર્દેશો અપાયા છે.
રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 47 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે અને બુધવાર સાંજ સુધીમાં આ કામગીરી 100 ટકા પૂર્ણ થવાનો અંદાજ છે.
તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 4462 , કચ્છમાં 17,739, જામનગરમાં 8542 , પોરબંદરમાં 3469 , દેવભૂમિ દ્વારકામાં 4863 , ગીર સોમનાથમાં 1605 , મોરબીમાં 1936 અને રાજકોટમાં 4497 મળી કુલ 47,113 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જિલ્લાઓમાં એનડીઆરએફની 18 અને એસડીઆરએફની 12 ટીમ તહેનાત કરાઇ છે. એનડીઆરએફની કચ્છમાં 6, દેવભૂમિ દ્વારકામાં 3, રાજકોટમાં ૨2,જામનગરમાં 2 અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે. જ્યારે એસડીઆરએફની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે. આ ઉપરાંત સુરત ખાતે એક ટીમ રિઝર્વ રખાઈ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ જિલ્લાઓમાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇ ચાર હજારથી વધુ હોર્ડિંગ્સ દૂર કરાયા છે. વાવાઝોડા બાદ વીજળી પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની 597 ટીમો તૈયાર કરવામાં આવી છે. વાયર-પોલ નો જરૂરી જથ્થો પણ સબ સ્ટેશનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
ગાંધીગનરમાં યોજાયેલી વાવાઝોડા અંગેની આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક મોહંતીએ વાતાવરણના વર્તારા અંગે કહ્યું હતું કે, સંભવત: તા.15 જૂન ના દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે તેમ છે.