Site icon Revoi.in

નર્મદા ડેમ ઓવરફ્લો થયો ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહ્યું, પૂર હોનારત માટે તંત્ર જવાબદારઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડતા નર્મદા અને ભરૂચ જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં પૂરથી સ્થિતિ સર્જાતા કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું છે. તેમજ  હજારો હેક્ટર જમીનનું ધોવાણ થયું છે. મધ્ય પ્રદેશમાં સતત વરસાદ પડી રહ્યાના અને ખાસ કરીને નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના આંકડાં સરદાર સરોવર પરિયોજનાના અધિકારીઓને મળ્યા હતા, છતાં ડેમ ઓવરફ્લો થયો ત્યાં સુધી જવાબદાર અધિકારીઓ ઊંઘતા રહ્યા અને આખરે ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવાનો એકાએક નિર્ણય લેવો પડ્યો તેના લીધે જ પૂર હોનારત સર્જાઈ છે.તેમ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરદાર સરોવર પરિયોજના – બંધ સંચાલન અધિકારીઓની ગેરજવાબદાર-લેટ લતીફીને લીધે ફરી એક વખત નર્મદા બંધના નીચેના વિસ્તાર પુરગ્રસ્ત બન્યો. સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સાથે જોડાયેલા અધિકારીઓએ રુલકર્વનું ગંભીર ઉલ્લંધન કર્યું તે સ્પષ્ટ દેખાય છે, તા. 14, 15, 16 સપ્ટેમ્બર ના મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં થયેલા વરસાદના આંકડા હવામાન ખાતાએ જ જાહેર કર્યા હતા. મધ્યપ્રદેશના ખરગોન, મંડલા, નરસિંહપુર, સિણની, બાલાઘાટ, હરદા જબલપુર અને ખંડવામાં ભારે વરસાદ પડતો હતો તેના 14મી સપ્ટેમ્બરના આંકડા ઉપલબ્ધ છે. આમ એમપીમાં ભારે વરસાદને લીધે નર્મદા નદીમાં પૂર આવવાથી સત્તાધિશોએ સરદાર સરોવર ડેમને ઓવરફ્લો થવા દીધો. બીજીબાજુ  હવામાન ખાતાના તા. 16 સપ્ટેમ્બરના સવારના 8-30 કલાકે જિલ્લાવાર વરસાદના આંકડા જોઈએ તો ખરગોન, અલીરાજપુર, દેવાસ, ધાર, હરદા, જાબુઆ, ખંડવા અને નર્મદાપુરમમાં ભારે વરસાદની માહિતી સ્પષ્ટ છે. સીડબલ્યુસી અને એસએસપી અધિકારીઓને દર કલાકે થતા વરસાદના આંકડા મળે છે જેના આધારે સરદાર સરોવર પરિયોજનામાં કેટલું પાણી બંધમાં આવશે તેનું પુર્વાનુમાન કરી શકે અને આનુસંગિક પગલા ભરી શકે.પણ સરાદર સરોવર પરિયોજનાના અધિકારીઓ છેક સુધી ઊંઘતા જ રહ્યા હતા,  આમ નર્મદા બંધ ઓવરફ્લો થાય બાદ લાખો ક્યુસેક પાણી એકાએક છોડવાનો નિર્ણય એ  કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હોનારત છે,

તેમણે ઉમેર્યું હતું કે, 14મી સપ્ટેમ્બરે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ શરૂ થયો હતો, નર્મદામાં ભારે પાણીનો પ્રવાહ આવવાનો શરૂ થયો. સંચાલનકર્તા અધિકારીઓએ પાણીનું યોગ્ય સંચાલન ના કર્યું, સેન્ટ્રલ વોટર કમિશન અને સરદાર પરિયોજનાને દર કલાકે વરસાદના આંકડા મોકલવામાં આવે છે, અધિકારીઓની બેદરકારીના કારણે 18 લાખ ક્યુસેક પાણીનો જથ્થો એકદમ છોડવામાં આવ્યો. એકસાથે પાણી આવતા ત્રણ જિલ્લાઓમાં પાણી ફરીવળ્યા, ગુનાઈત બેદરકારી દાખવનારા સામે કાર્યવાહી કરવાની કોંગ્રેસે માગણી કરે છે. દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા ભરુચ, નર્મદા, વડોદરા સહિતના વિસ્તારમાં પાણીમાં ફસાયેલા નાગરિકોને મદદ કરવામાં આવી રહી છે.  પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગઈ કાલે રાત્રે જ સ્થાનિક આગેવાનોને પુરગ્રસ્ત વિસ્તારમાં સપડાયેલા નાગરિકો ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ અને વૃધ્ધોને શક્ય મદદ કરવા માટે ખાસ અપીલ કરી હતી.