Site icon Revoi.in

ગુજરાતમાં ચૂંટણીને લીધે રોકડની હેરફેર સામે તંત્રની સક્રિયતાથી આંગડિયા સહિત વેપારીઓ પરેશાન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ વખતે છેક 7મી મેના રોજ ચૂંટણી યોજાવવાની હોવાથી આચારસંહિતાનો અમલ પણ લાંબો સમય સુધી રહેશે. ચૂંટણીમાં રોકડ નાણાની ફેરાફેરી અટકાવવા ખાસ સ્ક્વોર્ડ બનાવનામાં આવી છે. ત્યારે આંગડિયા પેઢી તેમજ વેપારીઓને વેપાર-ધંધામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. વેપાર-ઉદ્યોગોનો નોંધપાત્ર વ્યવહાર આંગડીયા પેઢીઓ મારફત હોય છે અને તે સૌથી પહેલા ચૂંટણીપંચની તપાસ એજન્સીઓના રડારમાં આવતી હોય છે. આથી સોનીબજાર સહિતના વેપારી સંગઠનો દ્વારા ચૂંટણીપંચને  આચારસંહિતામાં વેપારીઓને હેરાનગતિ ન થાય તે માટે સુચના આપવા રજુઆક કરવામાં આવશે.

લોકસભાની ચૂંટણી જાહેર થતાં ગુજરાત સહિત દેશભરમાં આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ચૂંટણી કાર્યક્રમ લાંબો ચાલવાનો હોવાથી વેપાર-ધંધાને વ્યાપક અસર થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. વેપાર ઉદ્યોગકારો એલર્ટ બન્યા છે. રોકડ કે અન્ય નાણાંકીય વ્યવહારોમાં વેરીફીકેશન તપાસના નામે ખોટી હેરાનગતિ ન થાય તે માટે ચૂંટણીતંત્રને એડવાન્સમાં જ રજુઆત કરવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો-નેતાઓ મતદારોને લાલચ આપવા તથા બારોબાર ખર્ચ માટે રોકડ કે અન્ય ચીજવસ્તુઓની હેરફેર ન કરે તે માટે આચાર સંહિતામાં વોચ-ચેકિંગ કરવામાં આવતું હોય છે. દરેક ચૂંટણી વખતે નિયમો લાગુ પડતા હોય છે અને તેની વ્યાપાર ઉદ્યોગમાં વ્યાપક અસર થતી હોય છે. વેપારી સૂત્રોના કહેવા પ્રમાણે આ બાબતનું ચૂંટણી શિડ્યુલ ઘણું લાંબુ છે એટલે વ્યાપક અસર થવાની ભીતિ છે.

સૂત્રોના કહેવા મુજબ વેપાર-ઉદ્યોગોનો નોંધપાત્ર વ્યવહાર આંગડીયા પેઢીઓ મારફત હોય છે અને તે સૌથી પહેલા ચૂંટણીપંચની તપાસ એજન્સીઓના રડારમાં આવતી હોય છે. હાલના તબકકે હજુ આંગડીયા પેઢીઓ ચાલુ છે. નાણાંકીય વ્યવહાર નોર્મલ ધોરણે જ થઇ રહ્યા છે. જો કે, આચાર સંહિતા લાગુ થતાં જ આંગડીયા સંચાલકોએ ખાસ કરીને સોના-હિરાના પાર્સલની લેવડ-દેવડમાં બીલ ફરજીયાત બનાવી દીધા છે. બીલ વિના પાર્સલ લેવા-દેવાનું કામ નહીં કરવાના મેસેજ પાઠવી દીધા છે. હજુ રોકડ વિશે કોઇ મેસેજ આવ્યા નથી. આચાર સંહિતામાં કોઇ પરેશાન ન થાય તે માટે સોની બજારના વેપારીઓ-પેઢીઓ ખાસ એલર્ટ બન્યા છે. દાગીનાના પાર્સલો એકથી બીજા શહેરોમાં મોકલવા માટે ઝવેરીઓ-આંગડીયા પેઢીઓનો જ ઉપયોગ કરતા હોય છે. ભુતકાળમાં એવા અનેક કિસ્સા બન્યા હતા કે જેમાં બીલ હોય તો પણ વેરીફીકેશનના નામે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હોય. કાયદેસરના બીલ સાથેના પાર્સલની હેરફેરમાં તપાસના નામે કોઇ હેરાનગતિ ન થાય તે માટે તંત્રએ તકેદારી રાખવી પડશે. ભૂતકાળની ચૂંટણી વખતે રજુઆત પણ કરી હતી. સોની બજારના વેપારીઓ હોલમાર્ક કે અન્ય કોઇપણ કામ માટે દાગીના સાથે લઇને જતા હોય છે. ચેકિંગના બહાને અટકાવીને હેરાનગતિ ન થાય તે માટે પણ સંબંધિત વિભાગો પાસે વેપારીઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ચૂંટણી આચારસંહિતામાં હેરાનગતિ ન થાય તે માટે કાળજી રાખે તેવી રજુઆત ચૂંટણીતંત્રને કરવાની તૈયારી કરી રહ્યા છે.