T-20 ક્રિકેટઃ ભારતીય ક્રિકેટ ટીમ સૌથી વધુ વખત 200થી વધારેનો લક્ષ્યાંક હાસલ કરનારી ટીમ બની
ભારતે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ T20માં બે વિકેટે રોમાંચક જીત હાંસલ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 19.5 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટી20માં ટીમ ઈન્ડિયા દ્વારા પીછો કરવામાં આવેલો આ સૌથી મોટો ટાર્ગેટ છે. આ પહેલા ભારતે 2019માં હૈદરાબાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 208 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. આ જીત સાથે, ભારત સૌથી વધુ વખત T20માં 200 કે તેથી વધુના લક્ષ્યાંકને સફળતાપૂર્વક હાંસલ કરનાર દેશ બની ગયો છે. ટીમ ઈન્ડિયાએ આવું પાંચ વખત કર્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ ચાર વખત અને પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાએ ત્રણ-ત્રણ વખત આ કર્યું છે.
ઓસ્ટ્રેલિયા સામે T20માં 200+ રનના લક્ષ્યાંકનો પીછો માત્ર બે વખત કરવામાં આવ્યો છે અને ભારતે બંને વખત આમ કર્યું છે. અગાઉ 2013માં ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં ઓસ્ટ્રેલિયા સામે 202 રનનો ટાર્ગેટ મેળવ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 મેચમાં, પ્રથમ બેટિંગ કરનારી ટીમે છ વખત 190 કે તેથી વધુ રન બનાવ્યા છે અને તમામ છ વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમ હારી છે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી20 મેચમાં ઈશાન કિશને 39 બોલમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 58 રનની ઈનિંગ રમી હતી. પાંચ છગ્ગા એ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન દ્વારા એક ઇનિંગમાં ફટકારવામાં આવેલી સૌથી વધુ સિક્સર છે. આ મામલે ઈશાને રિષભ પંતનો રેકોર્ડ તોડ્યો હતો. પંતે ગયાનામાં વેસ્ટ ઈન્ડિઝ સામે 42 બોલમાં 65 રનની અણનમ ઈનિંગમાં ચાર સિક્સર ફટકારી હતી. ટી-20માં ભારતીય વિકેટકીપર બેટ્સમેન દ્વારા સૌથી વધુ 50+ સ્કોરની યાદીમાં પણ ઈશાન બીજા ક્રમે આવી ગયો છે. કેએલ રાહુલે વધુમાં વધુ ત્રણ વખત આવું કર્યું છે જ્યારે, મહેન્દ્ર સિંહ ધોની, પંત અને ઈશાને બે વખત 50+ રન બનાવ્યા છે.
(Photo-BCCI)