T-20 વર્લ્ડકપઃ MS ધોની બન્યાં ટીમ ઈન્ડિયાનો ભાગ, રણનીતિ તૈયાર કરવા આપશે માર્ગદર્શન
દિલ્હીઃઆગામી ઓક્ટોબરમાં ઉએઈ અને ઓમાનમાં ટી-20 વર્લ્ડ કપ રમાશે. મોટાભાગના દેશોએ ટી-20 વર્લ્ડકપ માટે પોતાની ટીમ જાહેર કરી છે. ભારતે પણ ટીમની જાહેરાત કરી છે. ક્રિકેટમાંથી સંન્યાસ લેનારા ભારતીય પૂર્વ કેપ્ટન એમએસ ધોની પણ ભારતીય ટીમનો હિસ્સો બન્યાં છે. બીસીસીઆઈ દ્વારા તેમને ભારતીય ટીમના માર્ગદર્શક એટલે કે મેન્ટોરની જવાબદારી સોંપી છે. આઈસીસીનો 2007માં ટી-20 વર્લ્ડકપ, 2011માં વન-ડે વિશ્વકપ અને ચેમ્પિયન ટ્રોફી સહિત અનેક ટૂર્નામેન્ટમાં પોતાની રણનીતિથી કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા ધોનીએ ભારતને જીત અપાવી છે. તેઓ હવે ટી-20 વિશ્વકપમાં ભારતીય ટીમની રણનીતિ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
BCCI સચિવ જય શાહે UAE અને ઓમાનમાં 17 ઑક્ટોબરથી શરૂ થનારા વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત માટે કહ્યું, પૂર્વ ભારતીય કૅપ્ટન એમ.એસ ધોની T20 વર્લ્ડ કપ માટે ટીમના મૅન્ટોર (માર્ગદર્શક) રહેશે. દુબઈમાં ધોની સાથે વાત કરી હતી. તેઓ આ નિર્ણય સાથે સહમત હતા અને ટીમની સાથે જોડાવા તૈયાર થઈ ગયા છે. કૅપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને હેડ કોચ રવિ શાસ્ત્રી સાથે પણ વાત કરી અને તેઓ પણ આ નિર્ણયના સમર્થનમાં હતા. માનવામાં આવી રહ્યું છે કે મર્યાદીત ઓવરોના ક્રિકેટ માટે રણનીતિ તૈયાર કરવામાં તેમના અનુભવને જોતા આ ભૂમિકા માટે તેમની પસંદગી કરાઈ છે.
કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમમાં રોહિત શર્મા (વીસી), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિ.કી.), ઇશાન કિશન (વિ.કી.), હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, એક્સર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહંમદ શમીનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર સ્ટેન્ડબાયમાં રખાયાં છે.