દિલ્હીઃ દુબઈમાં ટી-20 વર્લ્ડકપ હાલ રમી રહ્યો છે. આવતીકાલે ટીમ ઈન્ડિયા કટ્ટર હરિફ પાકિસ્તાન સાથે પ્રથમ મેચમાં મેદાનમાં ઉતરીને ટી-20 વર્લ્ડકપના સફરની શરૂઆત કરશે. બીજી તરફ ભારત અને પાકિસ્તનના ક્રિકેટ પ્રેમીઓ પણ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ટી-20 અને વન-ડે વર્લ્ડકપના ઈતિહાસમાં અત્યાર સુધી પાકિસ્તાન ભારત સામે જીતી શક્યું નથી. આવતીકાલે જોવાનું રહેશે કે પાકિસ્તાન સામે ભારત જીતનો સીલસીલો યથાવત રાખે છે કે પછી પાકિસ્તાન વર્લ્ડકપમાં ભારત સામેની મેચમાં હારની પરંપરા તોડે છે. જો કે, આ મેચનું કોઈ પણ પરિણામ આવે, પરંતુ બંને ટીમ વચ્ચેની મેચ ભારે રોમાંચક રહેવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ક્રિકેટના મેદાનમાં ઉતરશે. આવતીકાલે ભારત પાકિસ્તાન સાથેની પ્રથમ મેચથી ટી-20 વર્લ્ડકપના સફરનો પ્રારંભ કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ ખરાબ હોવાથી લાંબા સમયથી બંને દેશ વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ નથી. સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા અને ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ ઉપર ક્રિકેટપ્રેમીઓની નજર મંડાયેલી હોય છે. જેથી આવતીકાલે રમાનારી ક્રિકેટ મેચની બંને દેશના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. બીજી તરફ કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી પ્રવૃતિ વધી હોવાથી દેશની જનતા અને કેટલાક રાજકીય આગેવાનો આ મેચનો વિરોધ કરી રહ્યાં છે. જો કે, ટીમ ઈન્ડિયાને ક્રિકેટના મેદાનમાં પણ પાકિસ્તાનને પરાજય કરતી જોવા ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. રવિવારે ભારત-પાકિસ્તાનની ટીમના ખેલાડીઓ ભારે પ્રેશર વચ્ચે મેદાનમાં ઉતરે છે. જે ટીમ પ્રેશરને હેન્ડલ કરી લેશે તેનો વિજય થશે તેવુ બંને ટીમના પૂર્વ ખેલાડીઓ માની રહ્યાં છે. ભારતીય ટીમે પાકિસ્તાનને પરાજીત કરવા માટે રણનીતિ પણ તૈયાર કરી લીધી હોવાનું મનાઈ રહ્યું છે.