મુંબઈઃ T20 વર્લ્ડ કપ 2024 2 જૂનથી શરૂ થઈ રહ્યો છે. વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે 20 ટીમો વચ્ચે બરાબરીનો જંગ જામશે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા આયોજિત આ મેગા ઈવેન્ટની ફાઈનલ 29 જૂને રમાશે. ભારતને ટાઈટલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
IPL બાદ હવે લોકોનું ધ્યાન ટી20 વર્લ્ડ કપ 2024 પર છે. 2 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ટૂર્નામેન્ટ શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં અમેરિકામાં પહેલીવાર ICCની મોટી ઈવેન્ટ યોજાવા જઈ રહી છે. આ સાથે વેસ્ટ ઈન્ડિઝમાં 14 વર્ષ બાદ આઈસીસી ઈવેન્ટ પણ પરત ફરી છે. અગાઉ 2010માં વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. T20 વર્લ્ડ કપ 2 જૂન (ભારતીય સમય) ના રોજ સવારે 6 વાગ્યાથી શરૂ થશે, જ્યારે યજમાન અમેરિકા અને કેનેડા ટકરાશે. 29 જૂને ફાઈનલ રમાશે.
ભારત 5 જૂને આયર્લેન્ડ સામે T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. જ્યારે ભારતની શાનદાર મેચ 9મી જૂને રમાશે. ન્યૂયોર્કમાં ભારતનો મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ભારતીય ટીમ આ મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બંને ટીમો પર સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો દબદબો છે.
- આ વખતે ટૂર્નામેન્ટમાં કેટલી ટીમો ભાગ લઈ રહી છે?
આ વખતે T20 વર્લ્ડ કપમાં એક સાથે 20 ટીમો ભાગ લઈ રહી છે. અમેરિકાને યજમાન તરીકે આમાં સ્થાન મળ્યું છે અને આ ટીમની પ્રથમ ટૂર્નામેન્ટ છે. કેનેડા અને યુગાન્ડા પણ પ્રથમ વખત વર્લ્ડ કપમાં ભાગ લેશે. આ સિવાય ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, નેપાળ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ, પાપુઆ ન્યુ ગીની, વેસ્ટ ઈન્ડિઝ, નામીબિયા, અફઘાનિસ્તાન અને ઓમાન આ વર્લ્ડકપમાં સામેલ છે.