નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ની 21મી મેચ સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશની વચ્ચે રમાઈ હતી. ન્યુયોર્કના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે બાંગ્લાદેશને હરાવીને સુપર-8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ વખતે સાઉથ આફ્રિકાની ટીમ સુપર-8માં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ મેચ લો સ્કોરિંગ હતી, જેમાં સાઉથ આફ્રિકાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને જીતાડી હતી.
આ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે બાંગ્લાદેશે સાઉથ આફ્રિકાને 6 વિકેટે 113 રન પર રોકી દીધું હતું. સાઉથ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસને 44 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 46 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય ડેવિડ મિલરે 29 રન નોંધાવ્યા હતા. આ બંને ખેલાડીઓએ એવા સમયે પાંચમી વિકેટ માટે 79 રનની પાર્ટનરશિપ કરી હતી, જ્યારે ટીમ 23 રન પર 4 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી.
બાંગ્લાદેશ તરફથી તન્ઝીમ હસન શાકિબે 18 રનમાં 3 વિકેટ લીધી હતી, જ્યારે તસ્કીન અહેમદે 19 રનમાં 2 વિકેટ લીધી હતી. મુસ્તાફિઝુર રહેમાને ઈકોનોમિકલ બોલિંગ કરી અને 4 ઓવરમાં 18 રન આપ્યા, પરંતુ તેને કોઈ સફળતા ન મળી. 114 રનના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 109 રન જ નોંધાવી શકી હતી.
આ સાથે સાઉથ આફ્રિકાએ T20 વર્લ્ડ કપમાં ઓછો ટોટલ ડિફેન્ડ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે આપેલા 119 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ એક દિવસ પહેલા જ આ સિદ્ધિ મેળવી હતી. આ મેચમાં સાઉથ આફ્રિકા માટે સૌથી સફળ બોલર કેશવ મહારાજ હતો, તેમણે 4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે કગીસો રબાડા અને એનરિક નોરખિયાને 2-2 સફળતા મળી હતી.