Site icon Revoi.in

T20 વર્લ્ડ કપ: બાંગ્લાદેશ સામે દક્ષિણ આફ્રિકાનો સતત ચોથો વિજય

Social Share

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ની 21મી મેચ સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશની વચ્ચે રમાઈ હતી. ન્યુયોર્કના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે બાંગ્લાદેશને હરાવીને સુપર-8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ વખતે સાઉથ આફ્રિકાની ટીમ સુપર-8માં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ મેચ લો સ્કોરિંગ હતી, જેમાં સાઉથ આફ્રિકાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને જીતાડી હતી.

આ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે બાંગ્લાદેશે સાઉથ આફ્રિકાને 6 વિકેટે 113 રન પર રોકી દીધું હતું. સાઉથ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસને 44 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 46 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય ડેવિડ મિલરે 29 રન નોંધાવ્યા હતા. આ બંને ખેલાડીઓએ એવા સમયે પાંચમી વિકેટ માટે 79 રનની પાર્ટનરશિપ કરી હતી, જ્યારે ટીમ 23 રન પર 4 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી.

બાંગ્લાદેશ તરફથી તન્ઝીમ હસન શાકિબે 18 રનમાં 3 વિકેટ લીધી હતી, જ્યારે તસ્કીન અહેમદે 19 રનમાં 2 વિકેટ લીધી હતી. મુસ્તાફિઝુર રહેમાને ઈકોનોમિકલ બોલિંગ કરી અને 4 ઓવરમાં 18 રન આપ્યા, પરંતુ તેને કોઈ સફળતા ન મળી. 114 રનના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 109 રન જ નોંધાવી શકી હતી.

આ સાથે સાઉથ આફ્રિકાએ T20 વર્લ્ડ કપમાં ઓછો ટોટલ ડિફેન્ડ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે આપેલા 119 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ એક દિવસ પહેલા જ આ સિદ્ધિ મેળવી હતી.  આ મેચમાં સાઉથ આફ્રિકા માટે સૌથી સફળ બોલર કેશવ મહારાજ હતો, તેમણે 4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે કગીસો રબાડા અને એનરિક નોરખિયાને 2-2 સફળતા મળી હતી.