મુંબઈઃ આગામી ટી20 વર્લ્ડકપને લઈને ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કેપ્ટનશીવમાં ટીમ ઈન્ડિયા રમતી જોવા મળશે. જ્યારે હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટનશીપ કરતા જોવા મળશે. ટીમમાં બે વિકેટકીપર તરીકે ઋષભ પંત અને સંજૂ સેમસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કે.એસ.રાહુલને ટીમની બહાર કરવામાં આવ્યો છે. ટી20 વિશ્વકપની શરૂઆત જૂન મહિનામાં વેસ્ટઈન્ડિઝ-અમેરિકાના આયોજન હેઠળ થશે. જ્યારે ફાઈનલ 29મી જૂનના રોજ રમાશે. ભારત ઉપરાંત આજે દક્ષિણ આફ્રિકા તથા ઈંગ્લેન્ડની ટીમ પણ જાહેરાત કરવામાં આવી હતી.
ટી20 વિશ્વકપની પસંદગીને લઈને અમદાવાદની આઈટીસી નર્મદા હોટલમાં સિલેક્ટરોની બેઠક મળી હતી. જેમાં ચીફ સિલેક્ટર અજીત અગરકર અને બીસીસીઆઈ સચિવ જય શાહ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠક બાદ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), શિબમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપસિંહ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેકઅપમાં શુભમન ગીલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, આવેશ ખાનને રાખવામાં આવ્યાં છે.
ટી20 વિશ્વકપ માટે ન્યૂઝીલેન્ડને આ પહેલા ટીમની જાહેરાત કરી હતી. ન્યૂઝીલેન્ડના અનુભવી કેન વિલિયમસનને કપ્તાન બનાવવામાં આવ્યાં છે. જ્યારે આજે દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેડએ પોતાની ટીમની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકાની ટીમની કમાન એડેન મારક્રમને સોંપવામાં આવી છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટનની જવાબદારી જોસ બટલરને સોંપવામાં આવી છે.
(PHOTO-FIEL)