તાલિબાને 2021 માં સત્તામાં આવ્યા પછી અફઘાનિસ્તાનમાં બિન-ઇસ્લામિક અને સરકાર વિરોધી સાહિત્યને દૂર કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. માહિતી અને સંસ્કૃતિ મંત્રાલય હેઠળ રચાયેલા કમિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઇસ્લામિક કાયદા, શરિયા અનુસાર સાહિત્યને પ્રોત્સાહન આપવાનો અને અફઘાન મૂલ્યોની વિરુદ્ધ સામગ્રીને પ્રતિબંધિત કરવાનો છે. દરમિયાન 2021 થી ઓક્ટોબર 2023 સુધીમાં, તાલિબાને “ઇસ્લામિક અને અફઘાન મૂલ્યો” વિરુદ્ધ હોવાના કારણે 400 થી વધુ પુસ્તકો જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા પુસ્તકોની જગ્યાએ કુરાન અને ઇસ્લામિક ગ્રંથોનું વિતરણ શરૂ થયું હતું.
તાલિબાન દ્વારા પ્રતિબંધિત પુસ્તકો ઉપર નજર કરીએ તો ખલીલ જિબ્રાનનું “જીસસ ધ સન ઓફ મેન”, ઇસ્માઇલ કાદરેનું “પૂર્વીય ભગવાનની સંધિકાળ”, અને મીરવાઈસ બલ્કીનું “અફઘાનિસ્તાન અને ક્ષેત્ર”નો સમાવેશ થાય છે. તાલિબાન શાસન દ્વારા પુસ્તકો પરના પ્રતિબંધને કારણે, ઘણા સ્થાનિક પ્રકાશકો અને પુસ્તક વિક્રેતાઓ ભય અને અનિશ્ચિતતાના વાતાવરણમાં કામ કરી રહ્યા છે. આ કારણે, વિચારોની વિવિધતા અને શૈક્ષણિક સામગ્રીની પહોંચ મર્યાદિત કરવામાં આવી છે. પ્રતિબંધને કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સાહિત્યિક યોગદાનની અવગણના કરવામાં આવી રહી છે. તાલિબાનો દાવો કરે છે કે તેમની સેન્સરશિપ ધર્મ અને સાંસ્કૃતિક મૂલ્યોનું રક્ષણ કરવા માટે છે. સત્તાવાળાઓ કહે છે કે પ્રક્રિયા “દુષ્ટ અને સદ્ગુણ” કાયદાઓનું પાલન કરે છે, જે જીવંત વસ્તુઓની છબીઓ અને બિન-ઇસ્લામિક વિચારોને પ્રતિબંધિત કરે છે.
મોહમ્મદ સેદિક ખાદેમી નામના અધિકારીએ જણાવ્યું હતું કે અમે કોઈ ચોક્કસ દેશ કે વ્યક્તિના પુસ્તકો પર પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ અમે પુસ્તકોનો અભ્યાસ કરીએ છીએ. અમે એવા પુસ્તકોને બ્લૉક કરીએ છીએ જે ધર્મ, શરિયા અથવા સરકારનો વિરોધાભાસ કરે છે અથવા જેમાં જીવંત વસ્તુઓના ચિત્રો હોય છે. 38 વર્ષીય વ્યક્તિએ કહ્યું કે, જે પણ પુસ્તકો ધર્મ, આસ્થા, સંપ્રદાય, શરિયાની વિરુદ્ધ છે… અમે તેને મંજૂરી આપીશું નહીં.