પાકિસ્તાનમાં તાબિલાની સમર્થકોએ હથિયાર ઉઠાવ્યા, સવા વર્ષમાં 400થી વધારે હુમલાને અંજામ આપ્યો
નવી દિલ્હી : પાકિસ્તાન વર્ષોથી આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. એટલું જ નહીં પાકિસ્તાન વર્ષોથી તાલિબાનને સમર્થન કરતું આવ્યું છે, એટલું જ નહીં અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બનતા પાકિસ્તાનમાં ખુશી ફેલાઈ હતી. જો કે, હવે તાલિબાને પાકિસ્તાન સામે હથિયાર ઉપાડ્યાં છે. એટલું જ નહીં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી હુમલાના બનાવો બન્યાં છે. દરમિયાન પાકિસ્તાનમાં છેલ્લા સવા વર્ષમાં તહરીક-એ-તાલિબાન (ટીટીપી)એ માથુ અચક્યું છે અને 400થી વધારે હુમલાને અંજામ આપ્યો છે. બીજી તરફ બલૂચ વિદ્રોહીઓએ પણ પાકિસ્તાનમાં આતંકી ઘટનાઓને અંજામ આપ્યો છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકવાદીઓના શાસન બાદ હવે પાકિસ્તાનમાં સ્થિતિ ગંભીર બની રહી છે. ઓગસ્ટ 2021 થી, પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન દ્વારા 400 થી વધુ આતંકવાદી હુમલા કરવામાં આવ્યા છે. તાજેતરમાં, લગભગ એક દાયકા પછી TTP આતંકવાદીઓએ રાજધાની ઇસ્લામાબાદમાં આત્મઘાતી વિસ્ફોટ કરીને પાકિસ્તાન સરકારને હચમચાવી દીધી હતી. એટલું જ નહીં બલૂચ વિદ્રોહીઓએ પણ છેલ્લા કેટલાક મહિનામાં પોતાના લોહિયાળ હુમલાઓ તેજ કર્યા છે. તાજેતરના હુમલામાં પાકિસ્તાની સેનાના કેપ્ટન સહિત 5 જવાનો શહીદ થયા છે. આ જ કારણ છે કે હવે પાકિસ્તાની સેનાએ આ વિદ્રોહીઓ સામે ભીષણ હુમલાની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં અમેરિકા પણ તેની મદદ કરી શકે છે.
દરમિયાન, યુએસએ તેના નાગરિકો અને દૂતાવાસના કર્મચારીઓને ઈસ્લામાબાદની મેરિયટ હોટલની મુલાકાત ન લેવા ચેતવણી આપી છે કારણ કે ત્યાં આતંકવાદીઓ તરફથી હુમલો થઈ શકે છે. ઈસ્લામાબાદમાં આત્મઘાતી હુમલા બાદ સમગ્ર રાજધાનીને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. અમેરિકાએ એમ પણ કહ્યું છે કે, તેના નાગરિકોએ ઈસ્લામાબાદની બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ. ટીટીપીના આત્મઘાતી હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું છે અને 10 અન્ય ઘાયલ થયા છે. દરમિયાન, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં, ટીટીપીએ ઘણી જગ્યાએ તેના ઝંડા લગાવ્યા છે અને પાકિસ્તાની સેનાને ચેતવણી આપી છે.