Site icon Revoi.in

ગુજરાતમાં સેમી કન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક સેકટરમાં રોકાણની તાઈવાનએ તત્પરતા દર્શાવી

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત તાઇવાનના મુંબઈ સ્થિત ઇકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટરના ડાયરેક્ટર જનરલ શ્રીયુત હોમર સી.વાય.ચંગે ગાંધીનગરમાં લીધી હતી. ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-2024માં સહભાગી થવા આવેલા શ્રીયુત હોમરે આ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્ર બાદ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સાથે મહાત્મા મંદિરમાં વન ટુ વન બેઠક યોજી હતી.

તેમણે ગુજરાત સાથે ખાસ કરીને સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ટ્રેડ રિલેશન્સ વધારવા તત્પરતા દર્શાવી હતી. આ સંબંધો સહિત તાઈવાનના રોકાણકારોને ગુજરાતમાં આકર્ષિત કરવા અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ વધુ સંગીન બનાવવા ગુજરાતમાં તાઇવાનની સ્ટેટ ઓફીસ શરૂ કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી તે માટે ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગનો તેમણે અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે તાઈવાનના શિન્‍સુ સાયન્સ પાર્ક જેવી અદ્યતન સુવિધાઓ ધરાવતા સેમિકોન સિટીનું ધોલેરામાં નિર્માણ કરવામાં તાઇવાનનું માર્ગદર્શન અને એક્સપર્ટિઝનો લાભ મળે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધવા ઈચ્છે છે તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ સેમિકન્ડક્ટર ઉપરાંત હાઇ એન્‍ડ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોના વિકાસ માટે ધોલેરા અને સાણંદમાં સંભાવનાઓ છે તેનો પણ લાભ લેવા તાઇવાન પ્રતિનિધિ મંડળને અનુરોધ કર્યો હતો.

આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્ય સચિવ  રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ  એસ.જે.હૈદર, સાયન્સ ટેક્નોલોજી અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર સહિત વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.