તાજમહેલઃ નમાજ પઢવા મુદ્દે હૈદરાબાદના 3 પ્રવાસી સહિત ચારની ધરપકડ
નવી દિલ્હીઃ તાજમહેલ મસ્જિદમાં નમાજ પઢવા બદલ ચાર પ્રવાસીઓની CISFએ ધરપકડ કરી હતી. જેમાંથી ત્રણ પ્રવાસીઓ હૈદરાબાદના રહેવાસી છે, જ્યારે એક પ્રવાસી આઝમગઢનો છે. CISFએ ચારેયને તાજગંજ પોલીસ સ્ટેશનને સોંપી દીધા હતા. પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. ASI સુપરિન્ટેન્ડેન્ટ પુરાતત્વવિદ્ રાજકુમાર પટેલે જણાવ્યું છે કે, તાજમહેલમાં માત્ર શુક્રવારની નમાજની મંજૂરી આપવામાં આવશે.
તાજમહેલના મુખ્ય મકબરાની પશ્ચિમ બાજુએ, શાહી મસ્જિદ બનેલી છે. નિયમો અનુસાર, તાજમહેલ શુક્રવારે પ્રવાસીઓ માટે બંધ રહે છે, પરંતુ અહીં સ્થિત મસ્જિદમાં નમાજ અદા કરનારાઓ માટે સ્મારક બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી ખુલ્લો રાખવામાં આવે છે. દરમિયાન ચાર પ્રવાસીઓએ મસ્જિદમાં નમાજ અદા કરી હતી. જેથી તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. ASIના જણાવ્યા અનુસાર તાજમહેલ મસ્જિદમાં માત્ર શુક્રવારની નમાજ પઢવાની મંજૂરી છે.
વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ ઈબ્રાહિમ ઝૈદીએ કહ્યું કે, તાજમહેલ મસ્જિદમાં હંમેશા નમાજ થતી રહી છે. હવે થોડા દિવસોથી એએસઆઈએ સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને કહ્યું હતું કે રોજની નમાજ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વ્યવસ્થા સમિતિએ એએસઆઈ પાસેથી લેખિતમાં આવો આદેશ માંગ્યો છે. સમિતિએ કહ્યું કે જો એવો આદેશ છે કે ASIએ મસ્જિદની બહાર આવું બોર્ડ લગાવવું જોઈએ. છેલ્લા એક મહિનામાં તાજમહેલને લઈને વિવાદ વધ્યો છે. ગયા મહિને અયોધ્યાના મહંત પરમહંસ દાસે તાજમહેલને તેજોમહાલય શિવ મંદિર તરીકે વર્ણવતા સ્મારકમાં ભૂમિ પૂજનની જાહેરાત કરી હતી. જોકે, પોલીસે તેમને રસ્તામાં અટકાવ્યા હતા.
(ફોટો- પ્રતિકાત્મક)