1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તળાજાના મેથાળા ગામનો બંધારો (આડ ડેમ) તૂટી જતાં ગામલોકોએ સ્વયંભૂ શ્રમયજ્ઞ કર્યો
તળાજાના મેથાળા ગામનો બંધારો (આડ ડેમ) તૂટી જતાં ગામલોકોએ સ્વયંભૂ શ્રમયજ્ઞ કર્યો

તળાજાના મેથાળા ગામનો બંધારો (આડ ડેમ) તૂટી જતાં ગામલોકોએ સ્વયંભૂ શ્રમયજ્ઞ કર્યો

0
Social Share

ભાવનગર : ગોહિલવાડ પંથકના ખેડુતોએ સરકાર પર નિર્ભર નહીં રહીને મેથાળા ગામના બંધારાનું 90 ફુટનું ગાબડું શ્રમયજ્ઞ કરીને પુરી દીધી હતી, અપના હાથ જગન્નાથનું સૂત્ર અપનાવીને આજુબાજુના ગામના લોકો સ્વયંભૂ આ કાર્યમાં જાડાયા હતા. અને બંધારાનું પાણી દરિયામાં જતું અટકાવ્યું હતું.

ભાવનગરના તળાજાના દરિયા કાંઠા વિસ્તારના 13 જેટલા ગામોને સિંચાઇ અને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવતો મેથળા ગામે આવેલો મેથળા બંધારામાં 90 ફૂટ મોટું ગાબડું પડી ગયું છે. ભારે વરસાદના કારણે પાણીની પુષ્કળ આવક થતાં બંધારાનો આરસીસીનો પાળો તૂટી જતાં ખેડૂતોએ જાત મહેનતે ફાળો ઉઘરાવી ફરી મેથળા બંધારાનું નિર્માણ શરૂ કર્યું છે. ખેડૂતોએ કહ્યું, અમે હિંમત નથી હાર્યા, જેટલી વાર તૂટશે એટલી વાર મહેનત કરીને અમે ફરીને બંધારો બનાવશું.

ચોમાસા દરમિયાન સારો વરસાદ થતાં તળાજા તાલુકાના મેથળા ગામે આવેલો મેથળા બંધારો અનેક વખત ઓવરફ્લો થયો હતો. પાણીની પુષ્કળ આવકના પગલે 20 કિમી વિસ્તારમાં ફેલાયેલા મેથળા બંધારાની ઉપરથી સતત પાણી વહી રહ્યું હતું. જેથી કોંક્રિટની બનેલ વોગિનની દિવાલ પાણીનું પ્રેશર સહન ના કરી શકતા 6ઠ્ઠી ઓકટોબરની રાત્રે મેથળા બંધારાનો વોગિનનો પાળો અચાનક તૂટી જવા પામ્યો હતો. જેથી બંધારાનું પાણી દરિયામાં વહી રહ્યું છે. 6 દિવસ વિતવા છતાં બંધારાના પાણીની જાવક હજુ પણ ચાલુ છે. ત્યારે પોતાની પરસેવાની મહેનત પર આ રીતે પાણી ફરી જતા ખેડૂતોમાં દુઃખની લાગણી પ્રસરી હતી. પરંતુ ખેડૂતોએ હિંમત હાર્યા વગર ફરી મેથળા બંધારાનું રીપેરીંગ કાર્ય શરૂ કરી દીધું છે.

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મેથળા ગામે આવેલો મેથળા બંધારો કે જે 13  થી વધુ ગામોના ખેડૂતોએ લોકફાળો ઉઘરાવી 2018 માં રૂ. 86 લાખના ખર્ચે તૈયાર કર્યો હતો. જેમાં તળાજા પંથકના 12 ગામની વચ્ચેથી પસાર થતી બગડ નદીનું પાણી દરિયામાં વહી જતું હતું, પરંતુ ભરતી સમયે દરિયાનું ખારું પાણી આ નદીમાં પરત ફરતું હોય આ નદીના પાણીમાં ખારાશ ભળી જતા આ વિસ્તારની કિંમતી જમીન બિનઉપજાવ બની ગઈ હતી. જેથી આ વિસ્તારના ખેડૂતો દ્વારા સરકાર પાસે બંધારો બાંધી આપવાની લાંબા સમયથી રજૂઆત હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પ્રત્યુતર ના મળતા ગામલોકોએ ત્રણ વર્ષ પહેલા લોકફાળો ઉઘરાવી 86 લાખ રૂપિયાના ખર્ચે 1 કિમી લાંબો આ બંધારો જાતે બાંધી તૈયાર કર્યો હતો, જેના સારા પરિણામો પણ મળ્યા. માટીનો બંધારો દરિયાના ખારા પાણીને પરત ફરતા અટકાવવામાં સફળ રહ્યો, સાથે જ હજારો હેક્ટર જમીન પર મીઠા પાણીના સરોવરનું નિર્માણ થયું હતું. કુવાઓના તળ ઉંચા આવી ગયા, આ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હલ થઇ હતી. ખેતરો અને વાડીઓ ફરી જીવંત બની જતા ચોમાસા ઉપરાંત શિયાળુ અને બાદમાં ઉનાળુ પાક પણ ખેડૂતો લઇ શક્તા હતા. જે આ વિસ્તારના ખેડૂતો માટે ફાયદારૂપ બની ગયું હતું.

આ પંથકના ખેડુત આગેવાનોના જણાવ્યા પ્રમાણે  તળાજા અને મહુવા પંથકનાં દરિયા કાંઠા વિસ્તારમાં આવેલા અનેક ગામોમાં જમીનો ખારાશવાળી બની જતા ખેડૂતોએ રોજી રોટી માટે સ્થળાંતર શરૂ કર્યું હતું. પરંતુ બંધારો બની ગયા બાદ ખેતી વધુ સમૃદ્ધ અને ફળદ્રુપ બનતા સ્થળાંતર અટકી ગયું હતું. તેમજ અનેક ગામના લોકોને ધંધો રોજગાર મળતો થતાં લોકો પણ ખુશ થઈ ગયા હતા. ખેડૂતો દ્વારા મેથળા બંધારાનું નિર્માણ કર્યા બાદ બે વર્ષ પૂર્વે સરકાર દ્વારા રૂ. 137 કરોડના ખર્ચે પાકો સિમેન્ટ કોંક્રિટનો બંધારો બનાવી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા જાહેરાત થતા આ વિસ્તારના ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી, પરંતુ બે વર્ષ વિતી જવા છતાં આજ દિન સુધી પાકો બંધારો બનાવવા માટે કાર્ય આગળ નહિ ધપાવવામાં આવતા ખેડૂતોએ નારાજગી સાથે સરકાર પાકો બંધારો બનાવે એવી આશા વ્યક્ત કરી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code