ગાંધીનગરના માધવગઢ ગામના તલાટી-મંત્રીને 50,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ પકડ્યો
ગાંધીનગરઃ જિલ્લાના માધવગઢ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીને છાલા ગામ ઝાખોરા બ્રીજની નીચે એસીબીએ છટકુ ગોઠવીને 50 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધો હતો. માધવગઢના તલાટી-મંત્રીએ વડીલો પાર્જિત જમીનના વારસાઈ હક્ક પત્રકમાં ફરિયાદીની પત્નીનું નામ દાખલ કરવાની અવેજીમાં બે લાખની લાંચ માંગી હતી. ત્યારબાદ રકઝકના અંતે રૂપિયા 50 હજાર નક્કી કરાયા હતા.
અસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ માધવ ગઢ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં ફરિયાદીની પત્નીના પિતા અને ભાઈઓનાં નામે વડીલોપાર્જિત જમીન આવેલી છે.આ વડીલોપાર્જિત જમીનનાં વારસાઈ હક્ક પત્રકમાં પત્નીનું નામ દાખલ કરવા માટે ફરિયાદીએ માધવગઢ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી હઠીસિંહ કાનજીભાઈ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ત્યારે તલાટી કમ મંત્રી હઠીસિંહે વારસાઈ હક્ક પત્રકમાં નામ દાખલ કરવાની અવેજીમાં બે લાખની લાંચ માંગવામાં આવી હતી. વારસાઈ હક્ક પત્રમાં માત્ર નામ દાખલ કરવાની અવેજીમાં તલાટીએ મોટું મોઢું ખોલતા ફરિયાદી પણ ચોંકી ગયા હતા. જે મામલે બંને વચ્ચે રકઝકનાં અંતે 50 હજારમાં ડીલ ફાઈનલ થઈ હતી. જો કે, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા નહીં હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. આથી મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.ડી.ચાવડાએ પોતાની ટીમ સાથે છાલા ગામ ઝાખોરા બ્રીજની નીચે લાંચનું છંટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં તલાટી કમ મંત્રી હઠીસિંહ સોલંકી 50 હજાર લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ મામલે એસીબી પોલીસે લાંચનાં ગુનામાં તલાટી કમ મંત્રી હઠીસિંહ સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.