અમદાવાદઃ ગુજરાતનાં ગામડાંના લોકોને જુદા જુદાકામો અંગે તલાટી-મંત્રી પાસે જવું પડતું હોય છે. છેલ્લા ઘણા સમયથી તલાટીઓની મોટી ઘટને લીધે મોટાભાગના તલાટીઓ પાસે બેથી ત્રણ ગામનો હવાલો હોવાથી ગ્રામ પંચાયત કચેરીઓમાં તલાટી ક્યારે મળશે તે કહેવું મુશ્કેલ હોય છે. એટલે ગામડાંની જનતા એક મોટી સમસ્યાનો સામનો કરી રહી છે. ગ્રામજનોનાં અગત્યનાં કામ અટકી પડે છે. તલાટીઓની રાહ જોવામાં લોકોનો સમય વિતી જાય છે. એક તલાટી પર અનેક ગામોની જવાબદારી છે, જેની કિંમત લોકો ચૂકવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રામીણ વિસ્તારોમાં વહીવટી કામગીરીનું કેન્દ્ર એટલે તલાટીની કચેરી. લોકોને આવકનાં દાખલા મેળવવાનાં હોય કે સરકારી યોજનાઓની સહાય, 7-12નાં ઉતારા મેળવવાનાં હોય કે જન્મ-મરણનાં દાખલા, આ તમામ કામગીરી તલાટીને હસ્તક હોય છે. જો તલાટી ન હોય તો મહેસૂલને લગતી અને રોજબરોજની કામગીરી અટકી પડે છે. જો કે રાજ્યનાં મોટાભાગનાં ગામડામાં તલાટીઓની ઘટ છે. ગામ દીઠ એક તલાટી હોવો જોઈએ, તેની જગ્યાએ એક તલાટી પાસે એકથી વધુ ગામડાંનો ચાર્જ છે. જેના કારણે લોકોનાં કામ અટકી પડે છે. બીજીબાજુ તલાટીઓ પણ પોતાની પાસે બે-ત્રણ ગામોનો ચાર્જ હોવાથી કંટાળી ગયા છે. અને કામનું ભારણ પણ ખૂબ વધી ગયું છે. ગુજરાતમાં અંદાજિત તલાટીઓની મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી છે. તલાટીઓની ખાલી જગ્યાઓ માટે સરકારે જાહેરાત આપીને ભરતીની પ્રક્રિયા તો હાથ ધરી છે. પણ તેને મહિનાઓ વિતી જશે તેમ લાગી રહ્યું છે. રાજ્યના દરેક જિલ્લામાં તલાટીઓની ઘટ છે. તલાટી ગેરહાજર હોવાની ગ્રામજનો સરપંચને ફરિયાદ કરે છે, અને સરપંચ દ્વારા તાલુકાના સત્તાધિશોને ફરિયાદ કરવામાં આવે છે. નવી ભરતી થશે ત્યાં સુધી રાહ જોવાનું કહેવામાં આવે છે. દરમિયાન ઘણા તલાટીઓ વય મર્યાદાને કારણે નિવૃત પણ થઈ રહ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે. માત્ર રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાના જેતપુર તાલુકામાં 48 ગામો વચ્ચે માત્ર 25 તલાટી મંત્રી છે. એમાંથી પણ 5 તલાટી મંત્રી રજા પર છે. એક તલાટી પાસે 2થી 3 ગામની જવાબદારી છે. ગામમાં તલાટી અઠવાડિયામાં એક જ દિવસ હાજર રહે છે. તલાટીઓ પોતે લોકોની સમસ્યાને સમજે અને સ્વીકારે છે, પણ તેમના હાથમાં લોકોની સમસ્યાઓનું સમાધાન નથી. તલાટીઓની સમયસર ભરતી ન થતા આ સ્થિતિ સર્જાઈ છે. એક અંદાજ પ્રમાણે રાજ્યમાં 15000 જેટલા તલાટીઓની જગ્યા ખાલી છે, તેમ છતાં સરકાર ભરતી નથી કરતી, જેના કારણે ગામડાંના લોકોએ હાલાકી વેઠવાનો વારો આવે છે. હવે જોવું એ રહેશે કે તલાટીઓ ઘટ દૂર થાય છે કે કેમ. સાથે જ ઈન્ચાર્જ તલાટીઓથી ચાલતા ગામોમાં તલાટીની કાયમી નિમણૂંક ક્યારે થશે, તે પણ એક સવાલ છે.(FILE PHOTO)