અમદાવાદઃ તલાટીઓની 20 દિવસથી ચાલતી હડતાલનો આખરે અંત આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પાંચ માગણીમાંથી ચાર માગણી સ્વીકારી લેવામાં આવી છે. જ્યારે એક મુદ્દા માટે કમિટીની રચના થશે. રાજ્યમાં પંચાયત સંવર્ગના તલાટીઓ દ્વારા તેમની માંગણીઓ સંદર્ભે હડતાલ ચાલી રહી હતી. સરકાર સાથે સમાધાન થતા તલાટીઓની હડતાલ સમેટવાનો નિર્ણય લેવાયો છે. તેમ પંચાયત તલાટી મંડળ એસોસિએશનના પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
ગાંધીનગર ખાતે પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને તલાટી મંડળ, અને એસોસિએશનના હોદ્દેદારો તથા પંચાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં તેઓના પ્રશ્નો અને માંગણીઓ સવિસ્તૃત ફળદાયી ચર્ચા વિચારણા કરાઈ હતી. જેના પરિણામે મંડળ દ્વારા આ હડતાલ પરત ખેંચવાનો નિર્ણય કરાયો છે. અને તેઓ આજે મંગળવારથી જ પોતાની ફરજ ઉપર હાજર થઈ જશે
સૂત્રોના જણાવ્યા મુજબ વિવિધ માંગણીઓને લઈને છેલ્લા 20 દિવસથી હડતાળ પર ઉતરેલા તલાટીઓની માંગ આખરે સરકાર દ્વારા માની લેવામાં આવી છે. તલાટી મંડળના પ્રમુખ પંકજ મોદી અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. જેમાં મંત્રીએ પાંચમાંથી ચાર માંગ માની લેતા હડતાળ પાછી ખેંચવામાં આવી છે. તેમજ તલાટીઓની એક માંગને લઈને કમિટી બનાવવાની પણ સહમતિ બની છે. રાજ્યના તલાટી મંડળ દ્વારા વિવિધ માંગણીઓને લઈને 2 ઓગસ્ટથી હડતાળ શરૂ કરવામાં આવી હતી. તલાટીઓ છેલ્લા 20 દિવસથી હડતાળ પર બેઠા હતા. પરંતુ સોમવારે રાજ્યના પંચાયત મંત્રી સાથે બેઠક થતાં મુદ્દાનો ઉકેલ આવી ગયો છે. રાજ્ય સરકારે ચાર માંગો સ્વીકારી લીધી છે, જ્યારે એક મુદ્દે કમિટી બનાવવામાં આવશે.