Site icon Revoi.in

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનમાં હિંસા યથાવતઃ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર કર્યો હુમલો- એક ગાર્ડ શહીદ

Social Share

દિલ્હીઃ તાલિબાન દ્વારા  અફઘાનિસ્તાનમાં સતત હિંસાનો દોર ચાલી રહ્યો છે. તાલિબાનોએ સમગ્ર અફઘાનિસ્તાનમાં તબાહી મચાવી છે. હવે તાલિબાનોએ અફઘાનિસ્તાન સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય સંકુલ પર હુમલો કર્યો છે. આ હુમલામાં એક ગાર્ડ શહીદ થયો હતો.

સંયુક્ત રાષ્ટ્ર આસિસ્ટન્સ મિશનએ અહેવાલ આપ્યો છે કે સરકાર વિરોધી તત્વોએ અફઘાનિસ્તાનના હેરાતમાં યુએનના મુખ્ય કપરિસર  પર હુમલો કર્યો હતો, જેમાં એક અફઘાનિ પોલીસ રક્ષકનું મોત થયું હતું અને અન્ય અધિકારી ઘાયલ થયા હતા.

તાલિબાનના લડાકૂઓ એ અફઘાનિસ્તાનના 20 પ્રાંતોમાં મોરચો ખોલ્યો છે. હાલ કંઘારમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હજારો લોકો શહેરમાં ફસાયેલા હોવાની લાગણી અનુભવી રહ્યા છે જ્યારે ઘણા લોકો સલામત સ્થળોએ પોતાનું ઘર છોડીને જતા રહ્યા છે. તાલિબાનના આતંકવાદીઓ શહેરની અંદર પ્રવેશવાનો સખત પ્રયાસ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી સફળ થયા નથી. જેના કારણે આ આતંકીઓએ આસપાસના જિલ્લાઓ પર કબજો જમાવી લીઘો  છે.

ટોલો ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે તાલિબાન દ્વારા ફરયાબ પ્રાંતના મેમાના શહેરમાં અનેક ડઝન રોકેટ છોડવામાં આવ્યા હતા, જેમાં કેટલાક નાગરિકો માર્યા ગયા હતા.

અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ફવાદ અમાને કહ્યું કે સેના અહીં તાલિબાન સામે સતત ખડેપગે રહીને હવાઈ અને જમીન હુમલા કરી રહી છે. જ્યારે હેરાત પ્રાંતમાં કથળતી પરિસ્થિતિને જોતા અધિકારીઓએ રાત્રી કર્ફ્યુ લાગૂ કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે તાલિબાન હંમેશાથી અફઘાનિસ્તાનને ટારગેટ કરતું આવ્યું છે, છેલ્લા ઘણા દિવસોથી અફઘાનિસ્તાનમાં હિંસા કરતું તાલિબાન હજી થાક્યું નથી, ત્યારે હવે યૂએન પરિસર પર પણ હુમલો કર્યો છે. જેમાં એક ગાર્ડ શહીદ થયો હતો. તાલિબાન સતત અફઘાનિસ્તાનની શઆંતિનું હનન કરતું જોવા મળી રહ્યું છે.