પત્રકારત્વના ખૂની! અફ્ઘાનિસ્તાનમાં સાચું પત્રકારત્વ કરવા બદલ તાલિબાને આપી બે પત્રકારોને ભયંકર સજા
નવી દિલ્લી: અફ્ઘાનિસ્તાનમાં માનવતા તો મરી રહી છે, પણ માનવતાની હત્યા કરનારા લોકોને દુનિયા સમક્ષ લાવનારા પત્રકારો પણ હવે જોખમમાં છે. અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનનો વિરોધ કરનારા મહિલાઓના પ્રદર્શન પર બે પત્રકારોએ અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જે તાલિબાનને સહન ન થતા તે બે પત્રકારોને ઢોર માર મારવામાં આવ્યો છે.
તાલિબાનના આતંકવાદીઓ દ્વારા આ બે પત્રકારોની પહેલા અટકાયત કરવામાં આવી હતી અને તે બાદ તેમને કાબુલ પોલીસ સ્ટેશન લઈ જઈને પીઠ પર કોડા (ચાબૂક) મારવામાં આવ્યા છે. આ પત્રકારઓએ તાલિબાનનો વિરોધ કરતી મહિલાઓ પર એક લેખ પ્રકાશિત કર્યો હતો. આ પ્રકારની જાણકારી એચઆરડબલ્યુ (Human Right Watch) દ્વારા આપવામાં આવી છે.
સપ્ટેમ્બર 7ના રોજ આ પત્રકારોને પકડી લેવામાં આવ્યા હતા અને તે બાદ તેમને સપ્ટેમ્બર 8ના રોજ મુક્ત કરી દેવામાં આવ્યા હતા. આ પછી તેઓ હોસ્પિટલ ભેગા થયા હતા અને પીઠ તથા ચહેરા પર તાલિબાન દ્વારા આપવામાં આવેલા દર્દની સારવાર કરી હતી.
તાલિબાન દ્વારા પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે માનવતાની તમામ હદો વટાવી રહ્યું છે. કેટલાક દેશો પોતાના સ્વાર્થ માટે તાલિબાનને સમર્થન અને સહાય આપી રહ્યા છે જેના કારણે લાખો લોકોની જિંદગી જોખમમાં આવી ગઈ છે. તાલિબાન દ્વારા હાલ રાજનીતિક સંબંધો સ્થાપવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તમામ દેશો તાલિબાનની પ્રવૃતિઓને ધ્યાનમાં રાખીને તેની સાથે સંબંધો બાંધશે તેવા વિચાર કરી રહ્યા છે.