Site icon Revoi.in

અફઘાનિસ્તાનની ધરતી નીચે છુપાયેલા 75 લાખ કરોડથી વધુના કુદરતી ખજાના ઉપર તાલીબાનોની નજર ?

Social Share

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલીબાની શાસન બાદ દુનિયાના મોટાભાગના દેશોની નજર હાલ અફઘાનિસ્તાન ઉપર છે. 20 વર્ષ સુધી અમેરિકાના નિરીક્ષણ હેઠળ રહેલા અફઘાનિસ્તાનમાં હવે શું બચ્યું હશે, પરંતુ હકીકત એવી છે કે, દક્ષિણ એશિયાનો આ દેશ લાખો કરોડો રૂપિયાની ખનિજ સંપદાનો માલિક છે. જેનો ઉપયોગ કરીને અઘાનિસ્તાન પોતાની આર્થિક સમસ્યા દૂર કરી શકે છે. ગરબી રેખા નીચે જીવતા મોટાભાગના નાગરિકોનું જીવનધોરણ સુધારી શકે છે. જો કે, તાલિબાનના શાસનમાં આ શકય નથી લાગતું. તાલીબાનોની નજર ધરતીની નીચે છુપાયેલા આ કુદરતી ખજાના ઉપર હોવાથી તેણે અફઘાનિસ્તાનમાં હથિયારોના જોરે સત્તા હાંસલ કરી હોવાનું મનાઈ રહ્યું છે.

2010માં અમેરિકી સૈન્ય અને ભૂગર્ભ વૈજ્ઞાનિકોએ અફઘાનિસ્તાનની ઘરતીમાં છુપાયેલા રહસ્યની માહિતી મેળવી હતી. ધરતી નીચે એક ટ્રિલિયન અમેરિકી ડોલર એટલે કે 75 લાખ કરોડથી પણ વધુની કિંમતનું ખનીજ ઉપલબ્ધ છે. અનેક મિનરલ એવા પણ છે જે હાલ દુનિયાને જરૂર છે અને તેની સપ્લાય ખુબ ઓછી છે. અફઘાનિસ્તાનની ધરતી નીચે આયરન, કોપર અને સોનુ જેવા ખનિજ ઉપલબ્ધ હોવાનું અમેરિકાના અધિકારીઓ માની રહ્યાં છે. જમીનની અંદર મોટી માત્રામાં લીથિયમ ઉપલબ્ધ છે. જેનો રિચાર્જ થતી બેટરી બનાવવામાં ઉપયોગ થાય છે.

અશાંત પરિસ્થિતિ, પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ખનીજ ખનન શક્ય નથી બન્યું. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના નિર્દેશક રહી ચુકેલા મોસિન ખાનનું માનવું છે કે, દર વર્ષે અફઘાનિસ્તાનમાં એક બિલીયન ડોલરનું ખનીજ ખનન થાય છે. જેમાંથી 30થી 40 ટકા હિસ્સો ભ્રષ્ટાચારીઓ અને તાલીબાનીઓ પચાવી પાડે છે.  એક રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનની 90 ટકા વસતી ગરીબી રેખા હેઠળ જીવે છે. અફઘાન સરકારે બે ડોલર પ્રતિદિન આવકને ગરીબી રેખા માનક નક્કી કર્યો છે. આનાથી ઓછી આવક કરનારની ગણતરી ગરીબી રેખા હેઠળ થાય છે.

ઈકોલોજીક્લ ફ્યુચર ગ્રુપના સંસ્થાપક રોડ સ્કૂનોવરના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં પરંપરાગત ખનિજ સંપદા ઉપરાંત એવુ ખનીજ પણ ઉપલબ્ધ છે જે 21મી સદીના અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગ્રીન ટેકનોલોજીના વધતા વપરાશને ધ્યાનમાં રાખીને લીથિયમ અને કોબાલ્ટ જેવી દુર્લભ અર્થ એલીમેન્ટની માંગ વધી છે.