તાલિબાનના પ્રતિનિધિઓએ શરતો સાથે સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભાગ લીધો
તાલિબાનના પ્રતિનિધિમંડળે રવિવારે કતારમાં અફઘાનિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભાગ લીધો હતો. આયોજકોએ મહિલાઓને બેઠકમાં સામેલ કરવામાં નહીં આવે તેવી ખાતરી આપ્યા બાદ પ્રતિનિધિ મંડળે બેઠકમાં હાજરી આપી હતી. આ બે દિવસીય બેઠક કતારની રાજધાની દોહામાં અફઘાન સંકટ પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આયોજિત ત્રીજી બેઠક છે.
તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા અને તેના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા ઝબીહુલ્લા મુજાહિદે ‘એક્સ’ પર લખ્યું છે કે, પ્રતિનિધિમંડળ બેઠકની બાજુમાં રશિયા, ભારત અને ઉઝબેકિસ્તાન સહિતના અન્ય દેશોના પ્રતિનિધિઓને મળ્યા હતા. તાલિબાનને પ્રથમ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું,અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ-જનરલ એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે, તાલિબાને ફેબ્રુઆરીમાં યોજાનારી બીજી બેઠકમાં હાજરી આપવા માટે કેટલીક શરતો નક્કી કરી હતી, જેમાં અફઘાન નાગરિક સમાજના સભ્યોને વાટાઘાટોમાંથી બાકાત રાખવા અને તાલિબાનને કાયદેસર શાસક તરીકે સ્વીકારવાની શરત સામેલ હતી. તાલિબાને, 15 ઓગસ્ટ, 2021ના રોજ અફઘાનિસ્તાનમાં સત્તા પર નિયંત્રણ મેળવ્યું.