અફઘાનિસ્તાનમાં તાલીબાનોનું શાસનઃ ભારતમાં અભ્યાસ કરતા અફઘાની વિદ્યાર્થીઓ પરત જવા નથી માંગતા
અમદાવાદઃ અફઘાનિસ્તાનમાં તાલીબાનીઓએ કબજો જમાવ્યો છે. જેથી અફઘાનિસ્તાનમાં રહેતા નાગરિકોમાં ભય ફેલાયો છે. તેમજ દુનિયાના વિવિધ દેશોમાં અભ્યાસ કરતા અફઘાનના વિદ્યાર્થીઓ પણ પરિવારને લઈને ચિંતિત બન્યાં છે. દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા 30થી વધારે અફઘાની વિદ્યાર્થીઓ પણ ચિંતિત બન્યાં છે. તેમજ ગુજરાત રિઝનલ ઓફિસમાં વિઝાની મુદ્દત વધારવાની માંગણી કરી છે. ભારતમાં ભણતા વિદ્યાર્થીઓનાં માતાપિતાએ પણ તેમને અપીલ કરી છે કે, હાલ અફધાનિસ્તાન સલામત નથી, તમે અહીં ના આવશો, ભારતમાં જ રહો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની વિવિધ યુનિ.ઓ સહિત ભારતની શૈક્ષણિક સંસ્થાઓમાં 158 જેટલા વિદ્યાર્થીઓ આઈસીસીઆર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં 99 વિદ્યાર્થીઓ ભારતમાં જ રહીને ઓનલાઈન-ઓફલાઈન અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે 25 વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનમાં રહીને ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે અને 34 વિદ્યાર્થીઓ છેલ્લા વર્ષમાં છે અને થોડા દિવસોમાં તેઓનો અભ્યાસ પૂર્ણ થશે. ગુજરાતમાં ગુજરાત યુનિ.તેમજ જીટીયુ સહિતની સરકારી યુનિ.ઓમાં મોટી સંખ્યામાં અફઘાની વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આઈસીસીઆરની રિજનલ ઓફિસમાં અનેક વિદ્યાર્થીઓએ અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિને પગલે વિઝા લંબાવી આપવા માંગ કરી છે.
ક્રિમિનલ સાયકોલોજીમાં પીએચડી કરી રહેલા અફઘાની વિદ્યાર્થી મોહમ્મદ ખાલીદે જણાવ્યું હતુ કે, 20 વર્ષ બાદ અમારા દેશમાં સત્તા પલટો થયો છે. નવી સરકારના લીધે નવી નીતિનું ગઠન થતાં સ્વાભાવિક વિલંબ થાય તેમ છે. બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓના વિઝાની અંતિમ મુદત ઓગસ્ટમાં પૂર્ણ થઈ રહી છે.
ગુજરાત યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં આશરે 30થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. જે પૈકીના 15થી વધુ વિદ્યાર્થીઓ B.sc.,BBA, BCAમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે.