અફઘાનિસ્તાનમાં તાલીબાનોનો સંકજોઃ હવે રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડના કાર્યાલય ઉપર જમાવ્યો કબજો
દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં સત્તા હાંસલ કર્યાં બાદ ઈસ્લામિક કટ્ટરપંથી સંગઠન તાલીબાનની નજર હવે અહીંની વિવિધ રમતોની સંસ્થાઓ ઉપર આવીને અટકી છે. તાલીબાનોએ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી)ના કાબુલ સ્થિત કાર્યાલય ઉપર પણ કબજો જમાવ્યો છે. જેની તસ્વીર પણ સામે આવી છે.
આ તાલીબાની આતંકવાદીઓ સાથે દેશના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અબ્દુલ્લાહ મઝારી પણ સામેલ છે. સ્પિનર મઝારીએ અફઘાનિસ્તાન માટે બે વન-ડે રમી છે. આ ઉપરાંત પ્રથમ કક્ષાની 21 મેચ, 13 જેટલી ટી-20 મેચ પણ રમી છે. એટલું જ નહીં શપાગીઝા ટી-20 લીગની એક પ્રતિભાગી ટીમ કાબુલ ઈગલ્સનું પ્રતિનિધિત્વ પણ કરી ચુક્યાં છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે અગાઉ એ વાતનો ભરોસો આપ્યો હતો કે, તાલીબનીઓના ભયથી રમતને નુકશાન નહીં થવા દઈએ. સીઈઓ હામિદ શેરવારીએ દાવો કર્યો હતો કે, ક્રિકેટનો કોઈ નુકશાન થવા દઈએ. તાલીબાન આ રમતને પસંદ કરે છે અને તેનું સમર્થન પણ કરે છે. બીજી તરફ અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન અને મહંમદ નબી હાલ ઈંગ્લેન્ડમાં હંડ્રેડ ટૂર્નામેન્ટ રમી રહ્યાં છે. બંને ખેલાડીઓ આઈપીએલનો પણ હિસ્સો છે. બીજી તરફ બીસીસીઆઈને આશા છે કે, આઈપીએલની બાકીની મેચમાં અફઘાનિસ્તાનના ખેલાડીઓ હિસ્સો બને.
અફઘાનિસ્તાન 1લી સપ્ટેમ્બરથી પાકિસ્તાનની સામે કોલંબોમાં 3 વન-ડે મેચ રમશે. શેનવારીએ કહ્યું કે, તમામ દ્રીપક્ષીય સીરિઝ રમાશે, તેમજ આઈપીએલ રમતા ખેલાડીઓને પણ બોર્ડે એનઓસી આપી છે. જો કે, તાલીબાનોના શાસન બાદ એસીબી મહિલા ક્રિકેટ ટીમનું કેવી રીતે સંચાલન થાય છે તે જોવાનું છે. હાલમાં 25 મહિલા ખેલાડીઓ એસીબી સાથે જોડાયેલી છે.