દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન બાદ મોટાભાગના દેશોએ અપઘાનિસ્તાન સાથેના સંબંધ ઘટાડ્યાં છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોએ અફઘાનિસ્તાન સાથેની હવાઈ સેવા બંધ કરી છે. દરમિયાન તાલિબાને ભારતને પત્ર લખીને પુનઃ હવાઈ સેવા શરૂ કરવા અપીલ કરી છે. તાલિબાન તરફથી ભારતને પહેલી વખત કોઈ સત્તાવાર પત્ર લખવામાં આવ્યો છે. અફઘાન સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા ભારતમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનને પત્ર લખીને બંને દેશો વચ્ચેની વિમાની સેવા ફરી શરૂ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ પત્ર પર અફઘાનિસ્તાનના કાર્ટકારી ઉડ્ડયન મંત્રી અલ્હાજ હમીદુલ્લાહની સહી છે. પત્રમાં ભારતમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના ચીફ અરૂણ કુમારને સંબોધીને કહેવાયુ છે કે, તમે જાણો છો કે અમેરિકન સૈનિકો દેશ છોડીને ગયા ત્યારે એરપોર્ટને નુકસાન પહોંચડતા ગયા છે. કતાર દ્વારા મળેલી ટેકનિકલ સહાયથી એરપોર્ટ ફરી કામ કરી રહ્યુ છે. આ પત્ર લખવાનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે લોકોની અવર જવર શરૂ કરવાનો છે. અમારી નેશનલ એરલાઈને પોતાની ફ્લાઈટો અગાઉની જેમ જ ચલાવવાનુ લક્ષ્ય રાખ્યુ છે. એટલે તમે કોમર્શિયલ ફ્લાઈટના સંચાલનમાં મદદ કરો તેવી અપેક્ષા છે.