તાલિબાનના મુલ્લા અબ્દુલ ગની બરાદર બની શકે છે અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ, દેશનું નામ બદલાવાની પણ સંભાવના
- તાલિબાનના મુલ્લા અબ્દુલ ગની બની શકે છે નવા રાષ્ટ્રપતિ
- અફ્ઘાનિસ્તાનની કમાન હવે તાલિબાનના હાથમાં
- રાષ્ટ્રપતિ અશરફ ગનીએ છોડ્યો દેશ
નવી દિલ્લી: જે રીતે અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યું હતુ તેને જોતા તે વાત તો નક્કી જ લાગતી હતી કે તાલિબાનને અફ્ઘાનિસ્તાનમાં સત્તા જોઈએ છે. હવે તે વાત સાચી પડી છે કે તાલિબાન અફ્ઘાનિસ્તાનમાં પોતાના રાષ્ટ્રપતિનીં નિમણુંક કરશે અને તાલિબાનના મુલ્લા અબ્દુલ ગની બરાદર અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ બની શકે છે.
લગભગ વીસ વર્ષની લડાઈ બાદ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને પાછો ખેંચ્યાના થોડા દિવસોમાં જ તાલિબાનોએ લગભગ આખા અફઘાનિસ્તાન દેશ પર નિયંત્રણ મેળવી લીધું છે. આ જોતા લાગે છે કે તાલિબાનનો અફ્ઘાનિસ્તાન પર કબજો કરવાનો ઈરાદો બહુ પહેલાથી હતો.
તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને તાજિકિસ્તાન જતા રહ્યાં હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ સિવાય ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ પણ અફઘાનિસ્તાન છોડીને અન્ય દેશમાં જતા રહ્યાં હોવાના સમાચાર આવી રહ્યાં છે.
જાણકારી અનુસાર આગામી સમયમાં હવે અફ્ઘાનિસ્તાનમાં મોટા બદલાવો જોવા મળી શકે તેમ છે. તાલિબાન દ્વારા દેશનું નામ બદલીને ‘ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન’ પણ રાખવામાં આવી શકે તેમ છે. હાલ તાલિબાન રાષ્ટ્રપતિ ભવનથી અફઘાનિસ્તાન પર પોતાના કબજાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.