PM મોદી અને ઑસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમર વચ્ચે ઊર્જા, AI, ક્લાઈમેટ ચેન્જ પર વાતચીત
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે વિયેનામાં ફેડરલ ચાન્સેલરી ખાતે ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામર સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. બેઠકમાં એનર્જી, એઆઈ, ક્લાઈમેટ ચેન્જ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રા અને અન્ય અધિકારીઓ હાજર હતા.
આ પહેલા પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રિયાના વિયેનામાં ફેડરલ ચાન્સેલરી ખાતે ગેસ્ટ બુક પર હસ્તાક્ષર કર્યા હતા. વિયેનામાં ફેડરલ ચાન્સેલરી ખાતે તેમનું ઔપચારિક સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મને ખુશી છે કે મને મારા ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં ઓસ્ટ્રિયા જવાનો મોકો મળ્યો. મારી આ યાત્રા ઐતિહાસિક અને ખાસ છે. 41 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન ઑસ્ટ્રિયાની મુલાકાતે આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે ઑસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામર અને મારી વચ્ચે ખૂબ જ ફળદાયી ચર્ચા થઈ. અમે અમારા સંબંધોને વધુ મજબૂત કરવા માટે નવી શક્યતાઓ પર ચર્ચા કરી. અમે આ સંબંધોને વ્યૂહાત્મક દિશા આપવાનું નક્કી કર્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રિન્યુએબલ એનર્જી, હાઇડ્રોજન, વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં અમે એકબીજાની ક્ષમતાઓને વધારવા માટે કામ કરીએ છીએ.
પીએમ મોદીએ ઉષ્માભર્યા સ્વાગત માટે નેહમેરનો આભાર માન્યો અને કહ્યું કે તેઓ ચર્ચા માટે આતુર છે.
નોંધનીય છે કે, 41 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રી ઓસ્ટ્રિયાની મુલાકાતે ગયા હોય તેવી આ પહેલી ઘટના છે. ઈન્દિરા ગાંધી 1983માં ઓસ્ટ્રિયાની મુલાકાત લેનાર છેલ્લી પીએમ હતી. પીએમ મોદીની ઓસ્ટ્રિયાની મુલાકાત તેમની રશિયાની બે દિવસીય સત્તાવાર મુલાકાત પછી આવી છે, જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી.