બેંગ્લોરઃ તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે.જયલલિતાના મૃત્યુ સાથે સંબંધિત તપાસનો અહેવાલ મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને સોંપવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુની ન્યાયીક તપાસ માટે પૂર્વ ન્યાયમૂર્તિ અરુમુગાસ્વામીની આગેવાનીમાં સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ તપાસ પૂર્ણ કરીને 590 પાનાનો અહેવાલ મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનને સીલબંધ કવરમાં સોંપ્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ અનેક સવાલો ઉભા થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, તેમની સારવારમાં બેદરકારી દાખવવામાં આવી હતી, જેના કારણે તેમનું મોત થયું હતું. જયલલિતા સપ્ટેમ્બર 2016માં બીમાર પડ્યા હતા. ચેન્નાઈની હોસ્પિટલમાં 2 મહિનાથી વધુ સમય સુધી તેમની સારવાર કરવામાં આવી હતી. જ્યારે 5 ડિસેમ્બર 2016ના રોજ તેમનું અવસાન થયું હતું. તેમના અવસાનને લઈને સવાલો ઉભા થયાં હતા.
મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનને અહેવાલ સુપરત કર્યા પછી પૂર્વ ન્યાયમૂર્તિ અરુમુગાસ્વામીએ કહ્યું હતું કે, “આ તપાસમાં લગભગ 158 સાક્ષીઓ અને અરજદારોની તપાસ કરવામાં આવી હતીઆ તપાસ રિપોર્ટ જારી કરવી કે નહીં તે સરકાર પર નિર્ભર છે. અરુમુગાસ્વામીએ કહ્યું કે સારવાર કરનારી હોસ્પિટલ અને શશિકલાએ તપાસમાં સારો સહકાર આપ્યો છે.
પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર 30મી નવેમ્બર 2021ના રોજ દિલ્હી AIIMSના 6 તબીબોની પેનલ તૈયાર કરવામાં આવી હતી. આ પેનલ પૂર્વ ન્યાયમૂર્તિ અરુમુગાસ્વામી કમિશનની સહાય માટે બનાવવામાં આવી હતી.