- તમિલનાડુમાં આજે ભારે વરસાદની સંભાવના
- શાળા કોલેજે બંધ
- ચેન્નઈમાં રેડ એલર્ટ
ચેન્નઈઃ- સમગ્ર દેશભરમાં ફરી એક વખત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, દેશના કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે, જેમાં તમિલનાડુમાં વરસાદને કારણે જનજીવન પર અસર પડી રહી છે. આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે.
આ સાથે જ bરસાદને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સલાહ આપવામાં આવી છે. સામાન્ય લોકોને સલામતીના તમામ પગલાઓનું પાલન કરવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને પીવાના પાણીનો પૂરતો સંગ્રહ કરવાની સલાહ આપી છે. વિભાગના જણાવ્યા અનુસાર, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈક્કલના ઘણા ભાગોમાં 21 નવેમ્બર સુધી વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યામુજબ, તિરુવલ્લુર, ચેન્નાઈ, કાંચીપુરમ અને રાનીપેટ્ટાઈ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આશંકા દર્શાવામાં આવી છે. તે જ સમયે, તિરુવન્નામલાઈ, વિલ્લુપુરમ, કુડ્ડલોર, ચેંગલપટ્ટુ, તિરુપત્તુર અને વેલ્લોર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે બુધવારે પણ તમિલનાડુમાં ભારે વરસાદ થયો હતો.જેને લઈને લોકોને હેરાનગતિ થઈ હતી.
ભારતીય હવામાન વિભાગના દક્ષિણી ક્ષેત્રના વડા એસ બાલાચંદ્રને ગુરુવારે ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુમાં ભારે વરસાદની આગાહી કરી હતી. તેમણે કહ્યું કે બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે. જે આપણી તરફ આગળ વધી રહ્યું છે અને અરબી સમુદ્રમાં પણ લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. પૂર્વ અને પશ્ચિમમાં ઓછા દબાણને કારણે અહીં ભારે વરસાદ પડવાની શક્યતાઓ પુરેપુરી છે
ચેન્નાઈમાં 2 સેમી સુધી વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રાજ્યના 21 જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ચેન્નાઈ કોર્પોરેશને એક વોર રૂમ બનાવ્યો છે જ્યાં કોર્પોરેશનના અધિકારીઓ ભારે વરસાદને કારણે રેડ એલર્ટની સ્થિતિ પર નજર રાખી શકે છે.