EVM સાથે છેડછાડ શક્ય જ નથી, ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં કરી રજૂઆત
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઈવીએમ-વીવીપેટ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ચૂંટણી પંચને સૂચન કર્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં પવિત્રત્તા હોવી જોઈ. ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યું કે, આ એક ચૂંટણી પ્રક્રિયા છે. કોઈને પણ આશંકા ના થવી જોઈએ. આ અરજીની સુનાવણી દરમિયાન ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, ઈવીએમ સાથે છેડછાડ શક્ય જ નથી.
અરજદાર તરફથી હાજર રહેલા વકીલે રજૂઆત કરી હતી કે, વીવીપેટ મશીન પારદર્શી હોવા જોઈએ અને તેમાં સતત બલ્બ ચાલુ રહેવો જોઈએ જેથી મતદારોને પુરી ખાતરી થઈ શકે. જ્યારે અન્ય એક વકીતે રજૂઆત કરી હતી કે, તમામ વીવીપેટ રસીદોની ગણતરી થવી જોઈએ. આ ઉપરાંત વધુ એક વકીલે રજૂઆત કરી હતી કે, ઈવીએમ બનાવતી કંપનીના એન્જિનીયર તેને નિયંત્રિત કરી શકે છે. જો કે, કોર્ટે તેને અયોગ્ય રજુઆત ગણી હતી. ચૂંટણીપંચના ધારાશાસ્ત્રીએ રજુઆત કરી હતી કે, તમામ અરજીઓ આશંકા ઉપર આધારિત છે. વીવીપેટ માત્ર એક પ્રિન્ટર છે.
ચૂંટણીપંચ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, બટન યુનિટમાં માત્ર આ જાણકારી હોય છે કે, ક્યાં નંબરનું બટન દબાવાયું છે. આ જાણકારી કન્ટ્રોલ યુનિટને જાય છે. કન્ટ્રોલ યુનિટથી વીવીપેટને પ્રિંટિગનો કમાન્ડ જાય છે. એક નાનું સિંબલ યુનિટ હોય છે, જે ટીવી રિમોટના આકારનું હોય છે. તેને બહારથી નિયંત્રિત કરી શકાય નહીં, તે ઈન્ટરનેટ તથા અન્ય નેટવર્ક સાથે જોડી શકાતું નથી. આ યુનિટ કન્ટ્રોલ યુનિટથી મળેલા કમાન્ડને પ્રોસેસ કરીને વીવીપેટને જાણકારી આપે છે. ચૂંટણી પંચ પાસે 17 લાખ વીવીપેટ છે. ઈવીએમ-વીવીપેટ સાથે છેડછાર કરવી શક્ય જ નથી. મોક પોલમાં ઉમેદવાર પોતાની ઈચ્છાથી કોઈ પણ મશીન તપાસી શકે છે.