મોરબીઃ જિલ્લામાં આવેલા ટંકારા તાલુકો ઈમિટેશન ઉદ્યોગમાં હબ તો છે જ સાથે જ રાખડી ઉત્પાદનનું પણ મોટું માર્કેટ છે, ટંકારા તાલુકામાં ગૃહ ઉદ્યોગમાં રાખડી બનાવવાનું કામકાજ મોટાપાયે કરવામાં આવે છે અને ટંકારામાં બનતી રાખડીઓ દેશના વિવિધ રાજ્યમાં વેચાણ અર્થે જતી હોય છે, જોકે કોરોના મહામારીએ ટંકારાના રાખડી ઉદ્યોગને પણ નુકશાન કર્યું છે ત્રણ માસ કરતા વધુ સમય કામ બંધ રહેતા રાખડીનું ઉત્પાદન 40 ટકા જેટલું ઘટી ગયુ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.
ટંકારા તાલુકામાં રાખડી બનાવવાનો ગૃહ ઉદ્યોગ છે, જે રાખડી દેશના વિવિધ રાજ્યો જેવા કે પશ્ચિમ બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્ર, તેમજ પંજાબ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં જતી હોય છે અને વેપારીઓના મસમોટા ઓર્ડર મળતા હોય છે પરંતુ કોરોના મહામારીને પગલે રાખડી બનાવવાનું કામ ત્રણ માસ કરતા વધુ સમય સુધી ઠપ્પ રહ્યું હતું. જેથી 40 થી 50 ટકા જેટલી ઓછી રાખડી બની છે તો હવે રક્ષાબંધન નજીક છે જેથી વધુ રાખડી બનવવા સમય રહ્યો નથી અને કોરોનાને કારણે 40 ટકાથી વધુ ઉત્પાદન ઘટ્યું છે.
રાજકોટમાં લોકડાઉનને પગલે રો મટીરીયલ્સ મળ્યા ના હોવાથી રાખડી બનાવવાનું કામ ઠપ્પ થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે તો ટંકારામાં રાખડીના વ્યવસાય સાથે જોડાયેલા અન્ય એક વેપારીએ જણાવ્યુ હતું કે રાખડી ઉદ્યોગ 10 વર્ષથી ચાલુ છે, જેનાથી મોટા પ્રમાણમાં મહિલાઓને ઘરે બેઠા રોજગારી મળે છે. વિવિધ રાજ્યના વેપારીના ઓર્ડર મુજબ રાખડી બનાવી વેચાણ માટે મોકલતા હોય છે. જોકે કોરોના મહામાંરીને પગલે રાખડી પુરતી બની શકી નથી જેથી 40 ટકા જેટલી ઓછી રાખડી બનવાથી વેપારીઓ, રોજગારી મેળવતી મહિલાઓને વ્યાપક નુકશાન થયું છે.
દર વર્ષે લાખોનું ટર્નઓવર કરતા હોય છે, જોકે કોરોનાને પગલે નુકશાની થવા પામી છે, જયારે રાખડીનું કામ કરીને રોજગારી મેળવતી એક મહિલાએ જણાવ્યું હતું કે, રક્ષાબંધન એક દિવસનો તહેવાર છે પરંતુ અહી મહિલાઓને બારેમાસ રોજગારી મળતી હોય છે રાખડીનું કામ ઘરે બેઠા મળે છે જેથી કામ માટે બહાર જવું પડતું નથી કોરોનાને કારણે વેપારીના ઓર્ડર ના મળવાથી આ વખતે ઓછું કામ મળ્યું હતું જોકે રાખડીનું કામ કરીને તેઓ પરિવારના ગુજરાન ચલાવવામાં મદદરૂપ બને છે.