દાંતીવાડ નજીક ટેન્કરે પોલીસની જીપને ટક્કર મારતા આગ લાગીઃ ટેન્કરના ક્લીનરનું મોત
પાલનપુર : જિલ્લાના વિરોણા ગામ પાસે આજે વહેલી સવારે કેમિકલ ભરેલા ટેન્કરે જિલ્લા ટ્રાફિક પોલીસની જીપને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંને વાહનો આગમાં લપેટાતા ટેન્કરનો ક્લીનર સળગીને ભડથું થઇ ગયો હતો. જ્યારે અન્ય ત્રણ લોકોને બચાવી લેવાયા હતા. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહતની કામગીરી શરૂ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાના દાંતીવાડા તાલુકામાં વિરોણા ગામ પાસે આજે વહેલી સવારે કેમિકલ ભરેલું ટેન્કર અને જિલ્લા ટ્રાફિક પોલીસની જીપનો અકસ્માત સર્જાયો હતો. જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસ તેમની સરકારી ગાડી સાઈડમાં ઉભી રાખી વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે દાંતીવાડા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા આ કેમિકલ ભરેલા ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર જિલ્લા ટ્રાફિક પોલીસની જીપને ટકરાઇને પલટી ખાઇ ગયું હતું.
કેમિકલ ભરેલું હોવાથી ટેન્કરમાં તરત જ આગ ભભૂકી ઉઠી હતી અને આ આગની જ્વાળાઓમાં પોલીસની જીપ લપેટાઇ ગઈ હતી. જોતજોતામાં બંને વાહનો આગમાં સળગવા લાગ્યા હતા.આ બનાવને પગલે ટ્રાફિક પોલીસ અને આજુબાજુ લોકો દોડી આવી અકસ્માતગ્રસ્ત ટેન્કરમાં ફસાયેલા ડ્રાઇવર સહિત ત્રણ લોકોને બચાવી લીધા હતા. ત્યાં સુધીમાં આગમાં ફસાયેલા ક્લીનર બળીને ભડથું થઇ જતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે દાંતીવાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી.