રાજકોટમાં ટેન્કર રાજઃ પાઈપલાઈનની સુવિધા વિહોણા 6 વોર્ડમાં ટેન્કર મારફતે પાણીનું વિતરણ
અમદાવાદઃ ગુજરાતમાં ટેન્કર રાજ પૂર્ણ થઈ ગયાના ભાજપ સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની રાજકોટમાં હજુ ટેન્કર અને ટ્રેકટર મારફત પાણી વિતરણ કરવામાં આવી રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ શહેરમાં પાઇપ લાઇનની સુવિધા વિહોણા 6 વોર્ડના વિવિધ વિસ્તારમાં વાર્ષિક રૂ. 6.50 કરોડના ખર્ચે ટેન્કર અને ટ્રેકટર મારફતે પુરુ પાડવામાં આવે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના વોર્ડનં. 1, 3, 9, 11,12 અને 18ના ઇશ્વરીયા પાર્ક, ઉમીયાઘાટ, મનહરપૂર, પૃથ્વીરાજ નગર, ઓમ રેસીડેન્સી, પેરામાઉન્ટ આરકેડ, પુનિત નગર તથા હરિકૃપા તેમજ શિવમ નગર સહિતના પાઇપલાઇનની સુવિધા વિહોણા અનેક વિસ્તારોમાં ટ્રેકટર અને ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરોક્ત વિસ્તારોમાં વર્ષ દરમિયાન 6 હજાર ફેરાઓ મારફત પાણી આપવા માટે 6.50 કરોડનો ખર્ચ થાય છે. આ વિસ્તારોમાં અકાંતરા પાણી આપવામાં આવે છે.
આ ઉપરાંત આજની સ્ટેન્ડિંગ કમિટીમાં વોર્ડ નં 3માં રેલનગર-સાધુવાસવાણી કુંજ રોડ ઉપર સોલિડ વેસ્ટની 3(ક)ની રૂા. 80.45 લાખના ખર્ચે નવી વોર્ડ ઓફિસ બનાવવા, વોર્ડ નં 5માં રત્નદિપ સોસાયટી કેયુર પાર્કમાં હયાત ડ્રેનેજ લાઇન રૂા. 49.20 લાખના ખર્ચે અપગ્રેડ કરવા, વોર્ડ ન. 1,8,9 અને 10માં પ્રાઇવેટાઇઝન્સથી ભુગર્ભ ગટરની ફરીયાદનો 47.78 લાખના ખર્ચે નિકાલ કરવાનુ કામ તથા રાજકોટ શહેરમાં લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કરવામાં આવે તેવા કિસ્સામાં કપાત મિલ્કત ધારકોને વૈકલ્પિક વળતર આપવા સહિતની વિવિધ વિકાસ કામોની 29 દરખાસ્તોને લીલી ઝંડી આપવામાં આવી હતી.