રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઉનાળો આંકરો બનતા ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં રાજકોટ જિલ્લાના કેટલાક ગામડાંમાં ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. શહેરના ઈન્ટરનેશન એરપોર્ટની નજીક આવેલા હીરાસર ગામ સહિત 8 જેટલાં ગામોમાં ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. છેલ્લા એક પખવાડિયાથી પાણીની સમસ્યા ઊભી થઈ છે. કેટલાક ગામો એવા છે. કે, પીવા માટે નર્મદાનું પાણી પાઈપલાઈન દ્વારા પહોંચાડી શકાયું નથી.
રાજકોટ શહેરમાં એક સમય હતો, કે દર ઉનાળામાં પીવાના પાણી માટે વિકટ સમસ્યા ઊભી થતી હતી, પણ સૌની યોજનાનો લાભ મળ્યા બાદ રાજકોટ શહેરમાં મહદઅંશે પાણીની સમસ્યા દુર થઈ ગઈ છે, પરંતુ જિલ્લાના કેટલાક ગામોમાં ઉનાળા દરમિયાન પાવીના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં રાજકોટ તાલુકાના ખોખળદડ, કોટડા સાંગાણીના જૂના રાજપીપળા, અનીડા વાછરા અને નવી ખોખરી, મહિકાનો સોસાયટી વિસ્તાર, અમરગઢ ભિચરીનો પણ સોસાયટી વિસ્તાર તેમજ હિરાસરમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિંછીયાના ઢેઢુકીનો ઢેઢુકીપરા વિસ્તાર સહિતમાં દરરોજના 8 ટેન્કરથી પાણી પહોંચાડવા આવે છે. ગત તા. 29 માર્ચથી અત્યાર સુધીમાં અલગ-અલગ તારીખોથી રાજકોટ જિલ્લાના 8 ગામોમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેનાથી સ્થાનિક લોકોને ઉનાળામાં પાણીની સમસ્યા થોડી હળવી થઈ છે.
પાણી પુવઠા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાના વિંછીયા તાલુકાનુ ઢેઢુંકી છેવાડાનું ગામ છે. આ ગામમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. જયારે રીબડા જૂથના અનીડા વાછરા અને જૂના રાજપીપળામાં તાંત્રિક કારણોસર યોજનાનું પાણી પહોંચાડી શકાતું ન હોવાથી ટેન્કર દ્વારા પાણી સંપમાં ભરવામાં આવે છે. જયારે રાજકોટનાં ખોખળદડમાં રૂડાની માંગણી અનુસાર સોસાયટીમાં પાણી આપવામાં આવે છે. તેમજ કોટડા સાંગાણીના નવી ખોખરીમાં જૂથ યોજનાની કનેક્ટિવિટી ન હોવાને કારણે ડાયરેક્ટ ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવે છે. આ ઉપરાંત મહીકા અને અમરગઢ ભિચરીના સોસાયટી વિસ્તારમાં રૂડાની માંગણી અનુસાર ટેન્કર દ્વારા ડાયરેક્ટ પાણી વિતરણ થાય છે. ઉપરાંત હિરાસરમાં જૂથ યોજનાની કનેક્ટિવિટી ન હોવાને કારણે ટેન્કર દ્વારા પાણી ડાયરેક્ટ વિતરણ થાય છે. જેમા રાજકોટનું ખોખળદડ અને કોટડા સાંગાણીના નવી ખોખરી ગામમાં નર્મદાનું જોડાણ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. (File photo)