દિલ્હીઃ કોરોનાના નવા વોરિએન્ટના પગલે તમામ એરપોર્ટ ઉપર વિદેશથી આવતા તમામ પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ ફરજીયાત કરવામાં આવી રહ્યો છે. દરમિયાન આંધ્રપ્રદેશમાં 10 દિવસના સમયગાળામાં વિદેશથી આવેલા 30 લોકોનો પત્તો ના લાગતા તંત્ર દોડતું થઈ ગયું છે. આંધ્ર પ્રદેશમાં બનેલી ઘટનાએ ભારત સરકારનુ ટેન્શન વધારી દીધુ છે. તંત્ર આ પ્રવાસઓને શોધીને તેમના જરૂરી ટેસ્ટ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશમાં 10 દિવસના સમયગાળામાં આવેલા 60 જેટલા પ્રવાસીઓ હવાઈ માર્ગે આવ્યાં છે. 60 વિદેશી મુસાફરો પૈકી 9 પ્રવાસીઓ આફ્રિકાથી આવ્યાં હોવાનું જાણવા મળે છે. 60માંથી 30 પ્રવાસીઓ વિશાખાપટ્ટનમમાં રોકાયા છે. જ્યારે બાકીના 30 અલગ અલગ રાજ્યોમાં જવા રવાના થઈ ગયા છે. આ 30 લોકોને સરકાર શોધી રહી છે. તેમાંના કેટલાકે તો ફોન કોલનો જવાબ આપવાનુ પણ બંધ કરી દીધુ છે.જેના કારણે તંત્રને ડર છે કે, આ યાત્રીઓ લાપતા થઈ ગયા હશે. સરકાર ઓમિક્રોન વેરિએન્ટના ખતરાને જોતા તેમનો કોરોના ટેસ્ટ કરાવવા માંગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં વિદેશથી આવેલા બે વ્યક્તિઓને કોરોના નવા વોરિએન્ટ એમિક્રોનનો ચેપ લાગ્યો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયું છે. એટલું જ નહીં તેમના સંપર્કમાં આવેલા પાંચ વ્યક્તિઓ પણ કોરોનાથી સંક્રમિત થયાનું સામે આવ્યું છે.