સુરતઃ શહેરમાં તાપી નદીમાં જળકુંભીને લીધે નદી લીલીછમ બની ગઈ છે. જેના લીધે નદીનું પાણી પણ પ્રદૂષિત બની ગયું છે. અને પાણી દૂર્ધંગ મારી રહ્યું છે. મ્યુનિ,કોર્પોરેશન પાસે જળકૂંભી દુર કરવા માટે મશીનો તો છે. છતાંયે જળકૂંભી દૂર કરવામાં આવતી નથી. મ્યુનિ. દ્વારા સત્વરે મદીમાંથી જળકુંભી દુર કરવામાં આવે એવી લોકોમાં માગ ઊઠી છે.
સુરત શહેરની તાપી નદીમાં દર વર્ષે ઉનાળા દરમિયાન જળકુંભીનું સામ્રાજ્ય થઈ જાય છે. જળકૂંભીને લીધે તાપી નદીનું લેવલ પણ ઘટી ગયુ છે. તેમજ નદીનું પાણી પ્રદૂષિત થઈ ગયું છે. તાપી નદીમાં પાણી જ દેખાતું નથી અને આખી તાપી નદી લીલીછમ થઈ ગઈ હોય તેવું નજરે પડી રહ્યું છે. નદીમાંથી શહેરના કેટલાક વિસ્તારોને પાણી પુરવઠો આપવામાં આવી રહ્યો છે. પણ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નદીને સ્વચ્છ બનાવવા માટે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. તાપી નદીમાં જ્યારે જળકુંભી વધી જાય છે. ત્યારે જીવાતનું પ્રમાણ પણ વધી જાય છે. કારણ કે, જળકુંભીને કારણે પાણીની સ્વચ્છતા જળવાતી નથી.
તાપી નદીમાં દર વર્ષે જળકુંભીના કારણે દૂષિત પાણીનો પ્રશ્ન ઊભો થયો હતો. વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ જોઈએ તો જળકુંભીના મુળિયા ખૂબ જ ઊંડાણમાં જતા હોય છે અને તેને કારણે પાણીની જે અવરજવર છે તે પણ ઓછી થઈ જાય છે. તેના કારણે પાણીમાં દુર્ગંધ પણ શરૂ થઈ જાય છે. પાંચ મહિના પહેલા જળકુંભી વધી જવાના કારણે પાણી દૂષિત થઈ ગયું હતું. જેને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડીને આ જળકુંભી દૂર કરવામાં આવી હતી. તાપી શુદ્ધિકરણને લઈને મ્યુનિ. દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. આ સાથે જ તાપીમાંથી જળકુંભી દૂર કરવા માટે મશીનો પણ મૂકવામાં આવ્યા છે. થોડા સમય પહેલા વિપક્ષ દ્વારા આ મામલે આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, જળકુંભી દૂર કરવાના મશીનો ધૂળ ખાઈ રહ્યા છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડીને તાપી નદીમાંથી દૂર કરવામાં આવેલી જળકુંભી ફરી આવી ગઈ છે. જેને પગલે ફરી ઉકાઈ ડેમમાંથી પાણી છોડવું પડે તેવી નોબત આવી છે.