Site icon Revoi.in

તારંગા હિલ – અંબાજી-આબુ રોડ રેલવે લાઈનથી પ્રવાસનની સાથે માર્બલના વ્યવસાયને વેગ મેળશે

Social Share

અમદાવાદઃ ગુજરાત તેની સંસ્કૃતિ, કળા, અભયારણ્યો, યાત્રાધામો, ઐતિહાસિક ધરોહરો અને પ્રવાસન સ્થળોના વિકાસના કારણે આજે દેશના પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. ગુજરાતમાં દર મહીને સરેરાશ ૧૦૦ લાખથી પણ વધુ પ્રવાસીઓનું આગમન થાય છે. ગુજરાતના ટોપ-૧૦ પ્રવાસન સ્થળો અને ટોપ-૫ યાત્રાધામોમાં સ્થાન પામનાર પવિત્ર યાત્રાધામ અંબાજીમાં જ દર મહીને સરેરાશ પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારે છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોનો સતત વિકાસ થતો રહ્યો છે.

તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારે ગુજરાતને વધુ એક મહત્વની ભેટ આપી છે. કેન્દ્ર સરકાર દ્વારા તારંગા હિલથી અંબાજી અને અંબાજીથી આબુ રોડ સુધીની 116.65 કિ.મી. લાંબી નવી રેલવે લાઈનને મંજૂરી આપવામાં આવી છે. જેમાં 82 કિ.મી. રેલવે લાઈન ગુજરાત સીમામાં જ્યારે 34 કિ.મી. રેલવે લાઈનનું રાજસ્થાનની સીમામાં નિર્માણ થશે. એટલું જ નહિ, નવી રેલ પરિયોજના તૈયાર થતાં અમદાવાદ-આબુરોડ રેલવે લાઈનનો વૈકલ્પિક રેલવે રૂટ મળશે. આ રેલવે લાઈનથી ગુજરાતના 2 મહત્વપૂર્ણ યાત્રાધામોની કનેક્ટીવીટીમાં વધારો થતા રોજગારીની નવી તકો સર્જાશે અને સાથે જ યાત્રાધામોનો પણ વિકાસ થશે.

51 શક્તિપીઠમાં અગ્રીમ સ્થાન ધરાવતા યાત્રાધામ અંબાજીમાં મા અંબાના દર્શન કરવા દર વર્ષે ભારતભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ ત્યાં આવતા હોય છે. બીજી બાજું તારંગા હિલ પર જૈન ધર્મના 24 તીર્થંકરમાંથી એક શ્રી અજીતનાથ જૈન મંદિર આવેલું હોવાથી અનેક યાત્રાળુઓ ત્યાં દર્શનાર્થે પધારતા હોય છે. ધાર્મિક દ્રષ્ટીએ આ બંને ધામ લોકોની આસ્થા અને ભક્તિ સાથે જોડાયેલા છે. લગભગ 2798 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ રેલવે લાઈનથી માત્ર શ્રદ્ધાળુઓને જ નહિ પણ આ રેલવે જ્યાંથી પસાર થાય છે તેવા ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના વિકાસને પણ વેગ મળશે. તારંગા હિલથી અંબાજી થઇ આબુરોડ સુધીની આ રેલવે લાઈન વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળામાં પ્રસ્થાપિત થશે.

આ ઉપરાંત તારંગા-આબુરોડ રેલવે લાઈનથી તેની આસપાસના વિસ્તારમાં આવતા અનેક ગામડાઓ તેમજ મુખ્ય મથકો રેલવે કનેક્ટિવિટીથી જોડાશે, નવા ઉદ્યોગ અને સાહસોને કનેક્ટિવિટી વધતા પ્રોત્સાહન મળશે, રોજગારીની નવી તકો સર્જાશે અને આ વિસ્તારનો વિકાસ થશે. અંબાજી અને તેની આસપાસના વિસ્તારમાં માર્બલ ઉદ્યોગ વિકસ્યો છે. આ રેલવે લાઈનથી માર્બલ ઉદ્યોગના પરિવહન માટે મોટી સુવિધા ઉપલબ્ધ થશે. અંબાજી અને તેની આસપાસનો વિસ્તાર પર્વતીય હોઈ પરિવહનને લઇ અનેક પ્રશ્નો ઉભા થતાં હતા, પરંતુ હવે માર્બલ ઉદ્યોગ માટે પરિવહનની મુશ્કેલીઓ દૂર થશે.