Site icon Revoi.in

ટાર્ગેટ કિલિંગની ઘટનાઃ કાશ્મીરી પંડિતની દુકાનમાં ઘુસીને આતંકીઓએ કરાયેલા ગોળીબારમાં એકનું મોત

Social Share

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવતંકવાદીઓએ કાશ્મીરી પંડિતની દુકાનમાં ઘુસીને અંધાધૂંધ ગોળીબાર કરીને એક વ્યક્તિની હત્યા કરી હતી. આતંકવાદીઓએ એક પોલીસ કર્મચારીની ગોળીમારીને હત્યા કર્યાનો બનાવ ભુલાયો નથી ત્યાં ટાર્ગેટ કિલિંગની વધુ એક ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગોળીબારની આ ઘટનામાં મહંમદ ઈબ્રાહિમ નામના વ્યક્તિનું મોત થયાનું જાણવા મળે છે. મૃતક દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો અને બાંદીપોર જિલ્લામાં રહેતો હતો. આ દુકાન છેલ્લા 29 વર્ષથી બંધ હાલતમાં હતી. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર થયા બાદ માલિકે ફરીથી હિંમત કરીને 2019માં દુકાન શરૂ કરી હતી. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં બિન કાશ્મીરીઓની હત્યાના બનાવોમાં વધારો થતા લોકોમાં ભય ફેલાયો છે.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ઈબ્રાહિમની હત્યા નિંદનીય છે અને હું તેની નિંદા કરું છુ. બીજી તરફ સુરક્ષાદળના જવાનોએ હુમલાખોરોની શોધખોળ આરંભીને સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી છે. શ્રીનગરમાં 24 કલાક દરમિયાન આતંકવાદી હુમલાની આ બીજી ઘટના છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રવિવારે શહેરના બટમાલુ વિસ્તારમાં આતંકવાદીઓએ એક પોલીસ કર્મચારીની હત્યા કરી હતી. દરમિયાન કાશ્મીરી પંડિતની દુકાનમાં ઘુસીને એક શ્રમજીવીની હત્યા કરવાની ઘટના સામે આવતા પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓએ હુમલાખોરોને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. બીજી તરફ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના બનાવોમાં વધારો થતા અહીં વસવાટ કરતા બિન-કાશ્મીરીઓમાં ભય ફેલાયો છે. તેમજ કેટલાક બિન-કાશ્મીરીઓ ફરીથી હિજરત કરવા મજબુર બની રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે.