નવી દિલ્હીઃ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ.ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જ્યાં સુધી ભારત પાકિસ્તાન સાથે વાતચીત નહીં કરે ત્યાં સુધી કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ અટકશે નહીં. કાશ્મીરી પંડિત પુરણ ભટની હત્યા પર અબ્દુલ્લાએ કહ્યું કે જેમ ભાજપ કહે છે કે કલમ 370ના કારણે જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ થઈ રહી છે. એટલે આવી ઘટનાઓ અટકાવવા માટે પગલા લેવા જોઈએ.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી તેઓ (ભારત અને પાકિસ્તાન) વાત નહીં કરે ત્યાં સુધી ટાર્ગેટ કિલિંગ અટકશે નહીં. તેઓએ (BJP) અગાઉ કલમ 370ને હત્યાઓ અને અન્ય બાબતો માટે જવાબદાર ગણાવી હતી. આર્ટિકલ 370 નાબૂદ થયાને ચાર વર્ષ થઈ ગયા છે પરંતુ તેમ છતાં લોકો મરી રહ્યા છે. જો હત્યાઓ માટે કલમ 370 જવાબદાર હતી, તો કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણ ભટની હત્યા શા માટે કરવામાં આવી? આનું કોઈ કારણ તો હશે જ. આ હત્યાઓ માટે કલમ 370 જવાબદાર નથી કારણ કે આતંકવાદને બહારથી પ્રાયોજિત કરવામાં આવી રહ્યો છે. આપણે (પાકિસ્તાન સાથે) વાતચીત દ્વારા રસ્તો શોધવો પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાર્ગેટ કિલીંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ આવા બનાવોને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત તેજ બનાવી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદને નાથવા માટે જમ્મુ-કાશ્મીરમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.