Site icon Revoi.in

તરણેતરનો લોકમેળો 6ઠ્ઠી સપ્ટેમ્બરથી યોજાશે, આગોતરા તૈયારી માટે કલેક્ટરે બેઠક યોજી

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનના તરણેતર ગામે સુપ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ મેળો માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આ વર્ષે તરણેતરનો લોકમેળો તા.6ઠ્ઠી સપ્ટેમ્બરથી 9મી સપ્ટેમ્બર દરમિયાન રંગેચંગે યોજાશે. ત્યારે ભાતીગળ લોકમેળો યોજાવાને સવા મહિના જેટલો જ સમય બાકી રહ્યો હોવાથી જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને જિલ્લા કલેક્ટર દ્વારા મેળાના આયોજન અંગે અધિકારીઓની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટરે વિવિધ સ્પર્ધાઓ સહિત આયોજન અંગે જાણકારી મેળવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તરણેતર ગામે અવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષ લોકમેળાનું આયોજન કરાય છે. આ આંતરરાષ્ટ્રીય મેળાની દેશ વિદેશમાં લોકચાહના હોવાથી વિદેશથી પણ લોકો મેળો માણવા આવતા હોય છે. આ મેળા પાછળ પૌરાણિક મહત્વ અને ગ્રામીણ જીવન વિશે જાણવા લોકો દેશ-વિદેશથી આવતા હોય છે. તરણેતર ગામે દર વર્ષે યોજાતા વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 6થી 9 સપ્ટેબર 2024 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં ધ્રાંગધ્રા અને વઢવાણ તાલુકામાં પણ જન્માષ્ટમી 2024ના લોકમેળાનું આયોજન થશે.

આ મેળાઓના સુચારું આયોજન સંદર્ભે કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે કલેક્ટર કે.સી. સંપટના અધ્‍યક્ષસ્‍થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન સૂચના આપ્યા હતા. તરણેતરના મેળામાં રસ્તા, પાર્કિંગ, બસ, કાયદો અને વ્‍યવસ્‍થા, આરોગ્ય, તળાવ અને મેળાના મેદાનની સફાઇ,  વિવિધ સ્પર્ધાઓનું આયોજન, ગ્રામીણ ઓલમ્‍પિકસ, પશુ સ્પર્ધા, સંચાર વ્યવસ્થા, સાંસ્‍કૃતિક કાર્યક્રમ, વગેરે બાબતે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. પીજીવીસીએલનાં અધિકારીઓને સમગ્ર મેળા દરમિ‍યાન વીજપુરવઠો જળવાઈ રહે તે માટે જરૂરી સૂચના આપી હતી.

આ બેઠકમાં કલેક્ટર દ્વારા તરણેતર ખાતે કુંડ અને તળાવ ફરતે તરવૈયા તૈનાત કરવા સુચના આપવામાં આવી હતી. જિલ્લામાં યોજાનારા દરેક મેળાઓમાં ડિઝાસ્ટર કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રએ મેળા સંદર્ભે તૈયાર કરેલી એસઓપીનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.ગિરિશ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર આર.કે.ઓઝા, તમામ પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિ રહ્યા હતા.