Site icon Revoi.in

અમદાવાદની સાબરમતી નદીમાં ગંદા પાણી છોડતા એકમો સામે ટાસ્કફોર્સ, બીયુ રદ પણ કરાશે

Social Share

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પ્રદૂષિત બની રહી છે. નદીમાં કેટલાક ખાનગી એકમો દ્વારા ગંદૂ પાણી છોડવામાં આવતું હોવાથી ફરિયાદો ઊઠ્યા બાદ અને આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ મ્યુનિને ટકોર કર્યા બાદ મ્યુનિ,કોર્પોરેશનના સત્તાધિશોએ ટાસ્કફોર્સ તેમજ અલગ અલગ પેટ્રોલિંગ સ્વોર્ડ બનાવી છે. તમામ ઔદ્યોગિક એકમોનું ચેકિંગ કરવામાં આવશે. તેમજ રાત્રે સ્ટ્રોમ વોટર લાઈન કે ગટરોમાં ટેન્કરો દ્વારા ગંદા પાણીનો નિકાલ કરવામાં આવશે તો કડક પગલાં લેવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીમાં ઠાલવાતા ગંદા પાણીને રોકવા કડક હાથે કામ લેવાના નિર્દેશો અપાયા છે.  શહેરની ગટર લાઈનો- ડ્રેનેજ નેટવર્કમાં ગેરકાયદે નાખવામાં આવતા ઔદ્યોગિક ગંદા પાણીને રોકવા માટે ટાસ્ક ફોર્સ અને સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિડિંગ (SOP) બનાવવામાં આવી છે. ટાસ્ક ફોર્સ ઉપરાંત અલગ પેટ્રોલિંગ સ્કવોડ બનાવવામાં આવી છે.  જે રાત્રિ દરમિયાન શહેરની ગટર લાઈનોમાં ગેરકાયદે કનેક્શન કરીને તેમજ ટેન્કર દ્વારા ગંદુ પાણી નાખવામાં આવતું હોય છે. તમામ ઔદ્યોગિક એકમોમાં ચેકિંગ હાથ ધરશે. શહેરની તમામ ઔદ્યોગિક એકમોમાં ટાસ્ક ફોર્સ દ્વારા ચેકિંગ કરી ગેરકાયદે કનેક્શનથી લઈ તમામ બાબતોનું ચેકિંગ કરવામાં આવશે.

એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ મ્યુનિ, કમિશનર એકશન મોડમાં જોવા મળી રહ્યા છે. સાબરમતી નદીમાં પ્રદુષણને રોકવા માટે ટાસ્કફોર્સ અને પેટ્રોલિંગ ટીમો બનાવવામાં આવી છે. ઔદ્યોગિક એકમો દ્વારા સાબરમતી નદીમાં પ્રદૂષણ છોડતા ઔદ્યોગિક એકમો સામે ટાસ્ક ફોર્સ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. ગેરકાયદે જે પણ ઔદ્યોગિક એકમો ગંદુ પાણી સાબરમતી નદીમાં છોડતા હોય તેની માહિતી મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ, સોશિયલ મીડિયા તેમજ મીડિયામાં જાહેર કરવામાં આવશે. ટાસ્ક ફોર્સ તમામ ઔદ્યોગિક એકમોનો સર્વે કરશે. જેમાં ફેક્ટરી લાઇસન્સ, બીયુ પરમિશન, હેલ્થ લાયસન્સ, ખાનગી બોર, ઔદ્યોગિક પાણીનો કેવી રીતે નિકાલ કરવામાં આવે છે અને કેટલા પેરામીટરનું પાલન કરાય છે વગેરેની માહિતી મેળવશે.  તમામ ડેટા તૈયાર કરવામાં આવશે અને જો ક્યાંય પણ આ નિયમોનું પાલન અને લાયસન્સ ન હોય તો તાત્કાલિક ધોરણે તેને સીલ કરવાની કાર્યવાહી કરાશે. ડિસ્ચાર્જ પોઇન્ટ પર કનેક્શન કાપવાની કાર્યવાહી કરી જે તે વિભાગને વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. દર અઠવાડિયે અને મહિને ગમે ત્યારે આ ફેક્ટરીઓમાં ચેકિંગ કરવાનું રહેશે. (File photo)