- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સુધારા વિધેયક
- કોર્ટના ચુકાદાને સુસંગત સુધારા પણ કરાયાં
અમદાવાદઃરાજ્યમાં આવેલી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવેથી આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે TAT પરીક્ષા સાથેની યોગ્ય લાયકાત અમલી બનશે. આમ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયકની ચર્ચામાં જણાવ્યું હતું. આ વિધેયકમાં લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે યોગ્ય લાયકાત અમલી બનાવવા અંગેના સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના વખતોવખતના ચુકાદાને સુસંગત સુધારા પણ સામેલ કરવામાં આવ્યાં છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ કેન્દ્રીયકૃત પદ્ધતિથી સરકારી અને અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા અમલમાં છે. પરંતુ લઘુમતિ સંસ્થાઓ દ્વારા શિક્ષક તરીકેની પસંદગીની લાયકાત પૂરી કરવા માટે નિયત કરેલા TAT પરીક્ષાના મહત્વના ગુણાંકનને ધ્યાનમાં લીધા સિવાય આવી પસંદગી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. TAT પરીક્ષાના પરિણામના આધારે પસંદગી પ્રક્રિયા લઘુમતિ સંસ્થાઓમાં થતી ન હોવાથી તટસ્થ રીતે ગુણવત્તાયુકત આચાર્યો, શિક્ષકોની પસંદગી થઇ શકતી નથી.
અગાઉ લઘુમતી શાળાઓમાં સંચાલક મંડળની કમિટિ ઉમેદવારની શૈક્ષણિક લાયકાત નક્કી કરી TAT પરીક્ષાના ગુણાંકન ધ્યાને લીધા સિવાય ભરતી પ્રક્રિયા કરતી હતી. હવે, આ પ્રક્રિયા લઘુમતિ સંસ્થાઓમાં પણ અમલી બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં પ્રજાની પ્રાથમિક સુવિધા, ખેડૂતોની સમસ્યા, શિક્ષણ સહિતના મહત્વાના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે.