અકસ્માતકાંડના આરોપી તથ્ય પટેલની ટ્રાન્સફર વોરન્ટથી સાબરમતી જેલમાંથી પોલીસે કરી ધરપકડ
અમદાવાદઃ શહેરના ઇસ્કોન બ્રિજ પર પૂરફાટ ઝડપે જેગુઆર કાર દોડાવીને નવ લોકોને કચડી નાખનારો આરોપી તથ્ય પટેલના પોલીસ રિમાન્ડ પુરા થતાં તે હાલ સાબરમતી જેલમાં છે. આ કેસમાં પોલીસે ચાર્જશીટ પણ કોર્ટમાં દાખલ કરી દીધી છે. ત્યારે સરખેજ પોલીસે અગાઉ સિન્ધુભવન રોડ પર થારના કરેલા અકસ્માત કેસમાં સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંન્ટને આધારે ધરપકડ કરી છે.
અમદાવાદમાં ઈસ્કોનબ્રિજ પર પૂરઝડપે જેગુઆરકાર દોડાવીને નવ લોકોને કચડી નાંખનારો તથ્ય હાલ સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે. ત્યારે તેની અકસ્માતના જુના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તથ્ય પટેલે ઈસ્કોનબ્રિજ અકસ્માત અગાઉ શહેરના સિન્ધુભવન રોડ પર એક કાફેમાં થાર કાર ઘુસાડી દેતાં તેની દીવાલ તોડી નાખી હતી. ત્યાર બાદ કાફે-માલિક અને આરોપી વચ્ચે સમાધાન થયું હતું. જોકે ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ તેનું આ કારનામું પણ બહાર આવતાં પોલીસે કાફે-માલિકની ફરિયાદ નોંધીને ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં સરખેજ પોલીસે અમદાવાદ જિલ્લા કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ લઈને કસ્ટડી લીધી છે. આ ઉપરાંત તથ્યએ ગાંધીનગરના એક મંદિરમાં પણ ગાડી ચઢાવી દીધી હતી. આ બાબતો પરથી તથ્ય અકસ્માત કરવા પંકાયેલો છે એવું જાહેર થાય છે.
શહેરના સિધુભવન રોડ પર કાફેમાં થાર કાર અથડાવીને દીવાલ તોડવાના કેસમાં પોલીસે તથ્ય પટેલની ટ્રાન્સફર વોરંટથી કસ્ટડી મેળવવા અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂઆત કરી હતી. એને મંજૂરી મળતાં પોલીસ અમદાવાદ સેન્ટ્રલ જેલથી ટ્રાન્સફર વોરંટ લઈને તેની કસ્ટડી મેળવી છે. તથ્યને જેલથી સરખેજ પોલીસ સ્ટેશન તપાસ અર્થે લઈ જવામાં આવ્યો છે, જ્યાં આ કેસમાં તે જામીન પણ મૂકશે. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં તથ્ય પટેલે જેગુઆર કારથી 9 લોકોને કચડી મોતને ઘાટ ઉતાર્યા હતા, જેમાં પોલીસ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયાના ત્રીજા દિવસે ચાર્જશીટ ફાઈલ કરવા અમદાવાદ કોર્ટમાં પહોંચી હતી. ટ્રાફિક-પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલી આ સૌથી ઝડપી ચાર્જશીટ છે. ટ્રાફિક-પોલીસે તથ્ય પટેલ સામે 1684 પાનાંની ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરી હતી. એસીપી એસ.જે. મોદી અને પીઆઈ વી.બી. દેસાઈ કોર્ટમાં ચાર્જશીટ લઈને આવ્યા હતા. ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યા બાદ અમદાવાદના ઇન્ચાર્જ સીપી પ્રેમવીરસિંહે પ્રેસ-કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે કેસ અમારા માટે ચેલેજિંગ હતો, આરોપીની ખરાબ ડ્રાઇવિંગની જૂની આદત છે.
તથ્ય પટેલ સામે પોલીસે 1684 પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે, જેમાં 15 દસ્તાવેજી પુરાવા, 8 સાક્ષી, 8 પોસ્ટમોર્ટમ નોટ, 191 સાહેદોની તપાસ, ચાર્જશીટ મુજબ 173(8)ની તપાસ ચાલુ છે. 20 તારીખે ગુનો રજિસ્ટર અને 27એ ચાર્જશીટ ફાઈલ કરાઇ છે. ટોટલ પંચનામા 25 અને સારવાર સર્ટિફિકેટ 8નો સમાવેશ થાય છે. જેગુઆર કારનો રિપોર્ટ આવ્યા બાદ તથ્યની માનસિકતા છતી થઈ છે. આ સમગ્ર રિપોર્ટની અંદર કારનું એક્સિલેટર ફુલ સ્પીડે દબાયેલું હતું એવું સ્પષ્ટ થયું છે, એટલે કે કાર જ્યારે બ્રિજ ઉપર હતી ત્યારે 137 કિમી પ્રતિ કલાકની ઝડપે હતી. જ્યારે 108 કિમીની સ્પીડે કાર ભટકાતી-ભટકાતી લોક થઈ ગઈ હતી. તથ્ય પટેલે કારને બ્રેક મારવાનો પ્રયાસ પણ કર્યો નહોતો, એવું પણ જેગુઆર કારના રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે. જેગુઆર કારનો રિપોર્ટ તથ્યની ગુનાહિત માનસિકતા, એટલે કે કારને અકસ્માત સુધીના સમયની કારની સ્થિતિ જેગુઆરના રિપોર્ટમાં સ્પષ્ટ થઈ છે, જે આ કેસની તપાસમાં નવો વળાંક લાવી શકે છે.